ટોપ ન્યૂઝનેશનલ

પટનામાં પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ, તુ મારી નહીં તો કોઈની નહીં !

Text To Speech

બિહારમાં ગુનેગારો બેખૌફ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. પટનામાં કોચિંગમાંથી પરત ફરી રહેલી વિદ્યાર્થિની પર એક શખ્સે ફાયરિંગ કર્યાની ઘટના ઘટી છે. સગીરા બેઉર પોલીસ સ્ટેશન વિસ્તારના સિપારા વિસ્તારમાં કોચિંગથી પરત ફરી રહી હતી, ત્યારે પહેલાથી ત્યાં તેની રાહ જોઈ ઉભા રહેલા શખ્સે પાછળથી ગોળી મારી દીધી હતી. ત્યારબાદ, ગંભીર રીતે ઘાયલ થયેલી સગીરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, હાલ તેની તબિયત નાજુક છે.

પોલીસના જણાવ્યા અનુસાર ગોળી સગીરાના ગળામાં ફસાઈ ગઈ હતી. ડોકટરો ગોળી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. સગીરાની સારવાર બાયપાસ પાસેના ખાનગી નર્સિંગ હોમમાં ચાલી રહી છે.

ઘટના CCTVમાં કેદ

વિદ્યાર્થિનીને ગોળી મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે- સગીરા કોચિંગમાંથી પરત ફરી રહી હોય છે. તે સમયે હાથમાં બંદૂક લઈ આરોપી ઉભો હોય છે. જો કે સગીરાનું ધ્યાન તેની પર પડતું નથી. સગીરા ચાલીને જતી હોય છે તે જ સમયે પાછળથી આરોપી ફાયરિંગ કરે છે. ગોળી વાગતા સગીરા ત્યાં જ પડી જાય છે. તો બીજી તરફ ફાયરિંગ કરી આરોપી ફરાર થઈ જાય છે.

firing in patna
firing in patna

પોલીસ કરી રહી છે તપાસ

ઘટના બાદ પોલીસ પર મોડી પહોંચવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. સગીરાના પરિવારજનોનું કહેવું છે કે પોલીસ ફોન પર જ માહિતી લેતી રહી પરંતુ તાત્કાલિક સ્થળ પર પહોંચી ન હતી. આ મામલે તપાસ કરી રહેલી પોલીસે આ ઘટનાને અંજામ આપનાર યુવકની ઓળખ કરી લીધી છે. જો કે હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં આ સમગ્ર મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું બહાર આવ્યું છે. સગીરાના નિવેદન અને આરોપીની પૂછપરછ બાદ જ બધું સ્પષ્ટ થશે.

Back to top button