બિઝનેસ
ભારતીય ટપાલ વિભાગની અનોખી સેવા એટલે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, જાણો તેના વિશે સંપૂર્ણ માહિતી
- ગામેગામ બૅન્ક સેવાઓ પહોંચાડતી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક
- ‘તમારી બેંક, તમારે દ્વાર’ સ્લોગનને સાકાર કરતી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બૅન્ક
- દેશભરમાં 1.5 લાખથી વધુ પોસ્ટ ઓફિસમાં 3 લાખથી વધુ કર્મચારીઓ બેંકિંગ સેવાઓ માટે કાર્યરત
‘તમારી બેંક, તમારે દ્વાર’ આ સ્લોગનને સાકાર કરતા દેશભરમાં કુલ 650થી વધુ નિયંત્રણ કાર્યાલય તથા શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં 1,36,078 પોસ્ટ ઓફિસ બેંકિંગ એક્સેસ પોઈન્ટ સાથે કાર્યરત છે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક સર્વિસ. બાળક હોય કે યુવાન, વડીલ હોય કે વૃદ્ધ, વેપારી હોય કે નોકરિયાત તમામ વર્ગોને નાણાકીય સાક્ષરતા, સજ્જતા અને સક્ષમતા પ્રદાન કરે છે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક. કોઈપણ નાગરિક નજીકની પોસ્ટ ઓફિસમાંથી IPPBમાં ખાતુ ખોલાવી અનેક સેવાઓનો આસાનીથી લાભ લઈ શકે છે.
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક શું છે ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યેય વાક્ય છે કે, કોઈ રાષ્ટ્ર ત્યારે જ વિકાસ કરી શકે છે જ્યારે તેના દરેક નાગરિકને વિકાસની સમાન તકો મળે. અને આ ધ્યેયવાક્ય IPPB સેવાઓના માધ્યમથી સાર્થક થઈ રહ્યું છે. સરળ, વૈવિધ્યસભર અને વૃદ્ધિલક્ષી નાણાકીય સેવા પ્રદાન કરતી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો હેતુ ભારતના દરેક ઘર સુધી કાર્યક્ષમ બેંકિંગ સેવાઓ પહોંચાડવાનો અને તેમને આર્થિક રીતે સુરક્ષિત અને સશક્ત બનાવવાનો છે.
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)ની સ્થાપના
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)ની સ્થાપના સંચાર મંત્રાલય હેઠળના પોસ્ટ વિભાગ અંતર્ગત કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2018-2019 સુધીમાં સમગ્ર દેશમાં IPPB કામગીરી શરૂ કરવાના ઉદ્દેશ્ય સાથે રાંચી (ઝારખંડ) અને રાયપુર (છત્તીસગઢ)માં 30 જાન્યુઆરી, 2017ના રોજ પાયલોટ પ્રોજેક્ટ તરીકે તેને લોન્ચ કરવામાં આવ્યો હતો. આજે આ સેવાઓ દેશવ્યાપી બની ગઈ છે.
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં મળતી સુવિધાઓ
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં બચત ખાતું, ચાલુ ખાતુ, મનરેગા, શિષ્યવૃત્તિ, સામાજિક કલ્યાણના લાભો અને અન્ય સરકારી સબસિડી માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, વીમો, લોન, બચત યોજનાઓ, મોબાઈલ અને ડીટીએચ રિચાર્જ, વીજળી, પાણી અને ગેસનું બિલ, ઈકોમર્સ ડિલીવરી, સહિતની અનેક સુવિધાઓ આપવામાં આવે છે. આમ ખેડૂતો, વેપારીઓ, વિદ્યાર્થીઓ સૌ માટે સાનુકૂળ રહે તે પ્રકારની સેવાઓનો સમાવેશ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં કરવામાં આવ્યો છે.
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની વિશેષતાઓ
ઉપલબ્ધતાઃ આ ઉપરાંત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની વિશેષતાઓ જોઈએ તો, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દેશના દરેક જિલ્લા, નગર અને ગામમાં ફેલાયેલી 1.5 લાખથી વધુ પોસ્ટઓફિસ અને 3 લાખ પોસ્ટલ કર્મચારીઓના વિશાળ નેટવર્કનો લાભ લઈને 3250 એક્સેસ પોઈન્ટ દ્વારા બેંકિંગ સેવાઓ પૂરી પાડી રહી છે.
પોસ્ટમેન : એક મિત્ર અને નાણાકીય સલાહકાર
પોસ્ટમેન દ્વારા છેવાડાના માનવી સુધીની સેવાઓની ઉપલબ્ધિ થકી તેઓ નાગરિકોના એક મિત્ર, શુભેચ્છક અને નાણાકીય સલાહકાર બની ચૂક્યા છે.
આંતરમાળખાકીય સુવિધાઓ
આંતરમાળખાકીય સુવિધાઓની દિશામાં જોઈએ તો IPPB પોસ્ટ ઓફિસની હાલની સેવાઓ સાથે સંકલિત છે. અને અગાઉથી જ નિર્મિત માળખાકીય સુવિધાઓને કારણે સેવાઓનું વિસ્તરણ કોઈપણ મુશ્કેલી વિના કરવામાં આવે છે. જેમકે કચેરી, મશીનરી, કર્મચારીઓ વગેરે.
પારદર્શકતા, ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન
IPPBમાં ચૂકવણી સેવા તમામ સ્તરે પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત છે, જે કેશલેસ અર્થતંત્રને પ્રોત્સાહન આપે છે. ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ્સ સ્વીકારવા માટે ડિજિટલ ચેનલો અને નાના વ્યવસાયો દ્વારા કેશલેસ વ્યવહારો કરવા સક્ષમ બનાવે છે જેનાથી છેતરપિંડીની સંભાવનાઓ શૂન્ય થઈ જાય છે.આમ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંક એટલે ઐતિહાસિક પોસ્ટ સેવા સાથે સંલગ્ન આધુનિક નાણાકીય સેવાનું અનોખું સરનામું.