સુરતના વરાછા વિસ્તારમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો


- વરાછા પોલીસની ટીમે જાનૈયાઓને સમજાવીને સુખદ સમાધાન કરાવ્યું
- જમવાનું ઓછું પડવાના કારણે વરરાજા પક્ષ લગ્ન વગર જ જાન લઈને પરત ફર્યા
- પોલીસ મથકમાં જ લગ્નની બાકી રહેલી હાર તોરાની વિધિ સંપન્ન થઈ
સુરતના વરાછા વિસ્તારમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લગ્ન પ્રસંગમાં જમવાનું ઓછું પડવાના કારણે વરરાજા પક્ષ લગ્ન વગર જ જાન લઈને પરત ફર્યા હતા. જોકે, વરાછા પોલીસની ટીમે જાનૈયાઓને સમજાવીને સુખદ સમાધાન કરાવ્યું હતું. ત્યારબાદ વરાછા પોલીસ મથકમાં જ લગ્નની બાકી રહેલી હાર તોરાની વિધિ સંપન્ન થઈ હતી.
ત્યારબાદ લગ્ન વગર જ જાન પરત ફરી હતી
સમગ્ર ઘટના એમ છે કે, સુરત શહેરના વરાછા માતાવાડી પાસે લક્ષ્મી નગરની વાડીમાં લગ્નનું આયોજન હતું. જ્યાં મૂળ બિહારના વતની યુવક રાહુલ પ્રમોદ મહંતો અને યુવતી અંજલી કુમારી મીટુસિંગની લગ્નની વિધિ ચાલી રહી હતી. પરંતુ લગ્ન પ્રસંગ દરમ્યાન જમવાનું ઓછું પડી ગયું હતું. બસ આ જ વાતને લઈને જાનૈયાઓ નારાજ થઇ ગયા હતા અને બંને પરિવારજનો વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ લગ્ન વગર જ જાન પરત ફરી હતી.
તાત્કાલિક કન્યાપક્ષના લોકો વરાછા પોલીસ મથક પહોંચ્યાં હતા
આ ઘટના બાદ તાત્કાલિક કન્યાપક્ષના લોકો વરાછા પોલીસ મથક પહોંચ્યાં હતા. જે સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ વરાછા પોલીસની ટીમે તાત્કાલિક પગલાં લઈને વરરાજા અને તેના પરિવારજનોનો સંપર્ક કરાવ્યો હતો અને તેઓને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. જ્યાં બંને પરિવારોનું સમાધાન કરાવ્યું હતું. બાદમાં કન્યાએ કહ્યું કે, ‘જો અમે ફરીથી ત્યાં જઈશું તો ફરી વિવાદ થવાની સંભાવના છે.’ તો એ કારણથી પોલીસ મથકમાં જ વરમાળાનું આયોજન કરવા પરવાનગી આપી હતી.
સમાજમાં પોલીસની છબી વધુ ઉજ્જવળ બની છે
ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, ડીજીપી અને સીપીના નિર્દેશ અનુસાર દરેક પોલીસ મથકમાં સાંત્વના કેન્દ્ર અને મહિલા હેલ્પ ડેસ્ક કાર્યરત છે. આ ઘટનામાં પોલીસની સક્રિય ભૂમિકાથી બે પરિવારોનું જીવન સુખમય બન્યું છે અને સમાજમાં પોલીસની છબી વધુ ઉજ્જવળ બની છે.