ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ, કોંગ્રેસ પર આ કારણે AAP પડશે ભારે
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ ગમેત્યારે જાહેર થઇ શકે છે. તેવામાં ભારત જોડો યાત્રા પર ફોકસ કરી રહેલી કોંગ્રેસ પાર્ટીના ગુજરાતમાં મતદારો તૂટી રહ્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને આકરી ટક્કર આપનારી પાર્ટીને આ વખતે આમ આદમી પાર્ટી મોટો ઝટકો આપતી દેખાઈ રહી છે. તાજેતરના એક સર્વેમાં અનુમાન લગાવામાં આવ્યું છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસથી વધારે વોટ મળી શકે છે. જો કે, સીટોની સંખ્યાની બાબતમાં કોંગ્રેસ બીજા નંબર પર રહેવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા આ સર્વેએ રાજ્યમાં ભાજપને બંપર બહુમત મળવાનું અનુમાન લગાવ્યું છે.
AAPની સક્રિયતા જોતા ભાજપ-કોંગ્રેસ માટે મુશ્કેલી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટુંક સમયમાં યોજાઇ શકે છે. રાજ્યમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ પછી આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે છે. રાજ્યમાં ભાજપના 27 વર્ષના શાસનનો અંત કરવા માટે આમ આદમી પાર્ટી પણ સક્રિય દેખાઇ રહી છે. આમ આદમી પાર્ટી 182 વિધાનસભા બેઠક પર ચૂંટણી લડશે. AAPએ ચૂંટણી જાહેર થયા પહેલા જ પોતાના 71 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટી સતત ભાજપ પર પ્રહાર કરી રહી છે. જોકે, કોંગ્રેસ નિષ્ક્રિય દેખાઇ રહી હોય તેવો ડોળ કરી રહી છે. કોંગ્રેસ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતી હોવાનું ખુદ પીએમ મોદીએ એક જનસભાને સંબોધિત કરતા સ્વીકાર્યુ હતુ. ગુજરાતમાં એમ તો દર વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ટક્કર જોવા મળતી હોય છે પણ આ વખતે આમ આદમી પાર્ટીની સક્રિયતા જોતા ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે.
આમ આદમી પાર્ટીનો પ્રયાસ ગુજરાતમાં પગપેસારો કરવાનો
દિલ્હી અને પંજાબમાં કોંગ્રેસનો સફાયો કર્યા બાદ આમ આદમી પાર્ટીનો પ્રયાસ ગુજરાતમાં પગપેસારો કરવાનો છે. ગોવામાં પણ આવો જ પ્રયાસ થયો હતો પણ તેમણે સફળતા મળી નહતી. દિલ્હી-પંજાબની સફળતાને કોંગ્રેસના સંદર્ભમાં જોવાની સ્થિતિ સ્પષ્ટ થઇ જાય છે કે હજુ સુધી આપને આ રાજ્યમાં સફળતા મળી છે, જ્યા કોંગ્રેસની સરકાર હતી. ગોવામાં મુખ્ય મુકાબલો ભાજપ સાથે થવાને કારણે આમ આદમી પાર્ટીને સફળતા મળી નહતી. માત્ર બે બેઠક અને 6.77 ટકા મત સાથે કેજરીવાલે સંતોષ કરવો પડ્યો હતો.
2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપ કરતા લગભગ સાત ટકા મત ઓછા મળ્યા હતા. 182 વિધાનસભા બેઠકમાં સીટોનું અંતર પણ માત્ર 22નું હતુ. ગુજરાતમાં ભાજપ સાત વખતથી સતત જીતતી આવે છે. વચ્ચે એક-બે વર્ષને છોડી દઇએ તો રાજ્યની સત્તા માટે 1995થી જ ભાજપની મુખ્ય ટક્કર કોંગ્રેસ સાથે જ થઇ છે. ગત વખતે પણ બન્ને રાષ્ટ્રીય પક્ષ વચ્ચે કાંટાની ટક્કર હતી. 49.1 ટકા મત સાથે ભાજપને 99 બેઠક અને 41.4 ટકા મત સાથે કોંગ્રેસને 77 બેઠક મળી હતી. જોકે, બાદમાં પક્ષ પલટાને કારણે યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપની સીટ વધીને 111 અને કોંગ્રેસની 66 રહી ગઇ હતી.