ગિફ્ટસિટી-GNLU વચ્ચે મેટ્રોનું ટ્રાયલ રન કરવામાં આવ્યું
- મેટ્રો રેલ સેફ્ટીના કમિશનર તરફથી લીલી ઝંડી મળે ત્યારબાદ મેટ્રોનો પ્રારંભ
- આગામી બે થી ત્રણ મહિનામાં ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી શરૂ થઈ જશે
ગાંધીનગર, 10 માર્ચઃ અમદાવાદમાં ઉત્તર-દક્ષિણ તથા પૂર્વ-પશ્ચિમ એમ બે તબક્કામાં દોડતી મેટ્રો ટ્રેન હવે ટૂંક સમયમાં ગાંધીનગર સુધી દોડતી થશે.
આજે 10મી માર્ચને રવિવારે આ માટેનો ટ્રાયલ રન યોજાયો હતો. વાસ્તવમાં, અમદાવાદ-ગાંધીનગર ફેઝ-2 માટેના ટ્રાયલ રન ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાથી તબક્કાવાર શરૂ કરવામાં આવ્યા છે. તેની શરૂઆત જીએનએલયુ તથા સેક્ટર-1 વચ્ચે થઈ હતી. એ અનુસંધાને આજે જીએનએલયુ તથા ગિફ્ટસિટી વચ્ચે મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો.
મેટ્રોના બીજા તબક્કાની આ યોજના મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગરમાં મહાત્મા મંદિર તથા ગિફ્ટસિટી લિંક સુધીની છે. આ યોજનામાં મેટ્રો ટ્રેન 28 કિ.મી.નું અંતર કાપશે અને તેમાં વચ્ચે 22 સ્ટેશન આવશે. તે પૈકી પ્રાથમિકતાના ધોરણે 21 કિ.મી.માં મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 તથા GNLU થી ગિફ્ટસિટી સુધી તબક્કાવાર ટ્રાયલ રનનું આયોજન છે.
આ ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ મેટ્રો રેલ સેફ્ટીના કમિશનર ચકાસણી કરશે અને તેમની મંજૂરી મળ્યા બાદ ચાલુ વર્ષે મે અથવા જૂન મહિનાથી અર્થાત આગામી બે કે ત્રણ મહિનામાં જ ગાંધીનગર સુધીની મેટ્રો ટ્રેન સેવા શરૂ થશે.