પોલીસને તાલીમ માટે સાબરમતી જેલમાં 140 કરોડના ખર્ચે ટ્રેનિંગ સેન્ટર તૈયાર કરાશે
- સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સ્વિમિંગપૂલ, જિમ્નેશિયમ સાથે ફાયરિંગ રેન્જ તૈયાર કરાશે
અમદાવાદ, 26 મે 2024, અમદાવાદમાં આવેલી સૌથી મોટી સાબરમતી સેન્ટ્રલ જેલમાં પોલીસને તાલીમ આપવા માટે 140 કરોડનાં ખર્ચે અત્યાધુનિક ટ્રેનિંગ સેન્ટર તૈયાર કરાશે. જેમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સ્વિમિંગપૂલ, જિમ્નેશિયમ સાથે ફાયરિંગ રેન્જ તૈયાર કરાશે. ટ્રેનિંગ સેન્ટર 45 એકરમાં બનાવાશે. પહેલા ફેઝમાં 20 એકરમાં જ્યારે ફેઝ 2માં 25 એકરમાં કામ કરવામાં આવશે
ટ્રેનિંગ એકેડમી આગામી 2 વર્ષમાં શરૂ કરાશે
સાબરમતી સેન્ટ્રલ જેલમાં કોન્સ્ટેબલથી લઈને DYSP કક્ષાના કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અદ્યતન સુવિધા સાથે ટ્રેનિંગ એકેડમીમાં સ્પોર્ટ્સની તમામ એક્ટિવિટી ઓલિમ્પિક કક્ષાની રહેવાની છે. આ સાથે જ સ્પોર્ટ્સ તથા પરેડ ગ્રાઉન્ડ પણ ઓલિમ્પિક લેવલના બનાવવામાં આવશે. ગૃહ વિભાગના અલગ અલગ પ્રભાગો જેવા કે પોલીસ પ્રભાગ, જેલ પ્રભાગ અને હોમગાર્ડ સહિતના બીજા યુનિફોર્મ પોલીસ ફોર્સના અધિકારીઓ અને કર્મચારીઓ રિફ્રેશર ટ્રેનિંગ કોર્સથી લઈને નવા તાલીમ લેનારાને બેઝિક ટ્રેનિંગ આપવા માટે સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ પ્રિઝન્સ એન્ડ કરેકશનલ એડમિનિસ્ટ્રેશનનું ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવી રહ્યુ છે. આ ટ્રેનિંગ એકેડમી આગામી બે વર્ષમાં શરૂ કરવામાં માટેની તમામ તૈયારી કરી દેવામાં આવી છે.
સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સ્વિમિંગપૂલ, જિમ્નેશિયન બનાવાશે
આ ટ્રેનિંગ સેન્ટરમાં રહેવા માટેના રૂમ કે જેમાં એસી, ફ્રીઝ અને ટીવી સહિતની વ્યવસ્થા હશે. સાથે જ ડાઈનિંગ હોલ અને કિચન હોલ પણ તૈયાર કરાશે. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સ્વિમિંગપૂલ, જિમ્નેશિયન ઓલિમ્પિક સાઈઝના બનાવાશે. સાથે જ પાર્ટી હોલ, મંદિર, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બિલ્ડિંગ, ફાયરિંગ રંજ એરિયા, રિસર્ચ બિલ્ડિંગ તથા ઈન્ટરનેશનલ ફેકલ્ટી દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે.
ભારતનું સૌથી આધુનિક ટ્રેનિંગ સેન્ટર બનશે
ડીવાયએસપી જે.એમ.યાદવે જણાવ્યું હતું કે, સાબરમતી જેલની અંદર ભારતનું સૌથી આધુનિક ટ્રેનિંગ સેન્ટર બનાવા જઈ રહ્યું છે. આ ઈન્સ્ટિટ્યૂટથી ઘણા લોકોને લાભ મળશે. આ કામ બે વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવશે. જેલની અંદર રહેલા વૃક્ષોને કાપવાના બદલે તેને અન્ય જગ્યા પર રિપ્લાન્ટેશન કરવામાં આવશે.
આ પણ વાંચો..અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઈકોર્ટે લીધી સુઓમોટો નોંધઃ જાણો કોર્ટે શું આદેશ આપ્યો?