યાત્રાધામ શામળાજીમાં આજે રક્ષાબંધન પર્વની ઉજવણી, શામળિયાને પરંપરાગત સોનાની રાખડી અર્પણ કરાઈ
- યાત્રાધામ શામળાજીમાં આજે રક્ષાબંધન પર્વની ઉજવણી
- શામળિયાને સોનાની રાખડી અર્પણ
- ભક્તોએ પણ ભગવાનને રાખડી અર્પણ કરી
ભાઈ-બહેનના સંબંધોના ઘણા ઉદાહરણો આપવામાં આવે છે, આ સંબંધનો સૌથી મોટો તહેવાર રક્ષાબંધન છે, જેમાં બહેન તેના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે. ત્યારે આ પાવન અવસર પર અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી .જેમાં ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ કરવામાં આવી છે.
શામળિયાને પરંપરાગત સોનાની રાખડી અર્પણ કરાઈ
પ્રાપ્ત વિગતો અનુસાર,આજે યાત્રાધામ શામળાજીમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. જેમાં ભગવાન શામળિયાને મંદિર ટ્રસ્ટ દ્વારા પરંપરાગત સોનાની રાખડી અર્પણ કરાઈ હતી. ભક્તોએ પણ ભગવાનને હૃદયના ભાવ સાથે અલગ અલગ જાતની રાખડી અર્પણ કરી ભગવાન શામળિયા જગતના ભાઈ છે એવા ભાવ સાથે ભક્તોએ રાખડી અર્પણ કરી અને સમગ્ર જગતનું ભગવાન શામળિયા કલ્યાણ કરે એવી શામળિયા ભગવાનને પ્રાર્થના કરી હતી.
ભગવાનને ખાસ શણગાર કરાયો
મહત્વનું છે કે,રક્ષાબંધન પર્વને લઈ ભગવાનને ખાસ શણગાર કરાયો છે. ખાસ કારીગરો દ્વારા ભગવાનના વાઘા તૈયાર કરાવીને પહેરાવવામાં આવ્યા છે. ભગવાનને કવચ, કુંડલ અને સોનાની વનમાળા સહિતના સુવર્ણ આભૂષણોનો શણગાર કરાયો હતો. આજે રક્ષાબંધન નિમિતે દિવસના તમામ મનોરથોની ભાવ અને ભકતીપૂર્વક મંદિરના શાસ્ત્રીજી દ્વારા ઉજવણી કરવામાં આવશે. દૂર દૂરથી ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટી પડ્યા અને ભગવાનના દર્શન કરી ધન્ય બન્યા હતા.
આ પણ વાંચો : હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે પર કારે મારી પલટી, કાર ચાલકનું ઘટના સ્થળે મોત