કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદ-રાજકોટ સિક્સ લેન હાઈવે બનાવવા કુલ રૂ.3350 કરોડ ખર્ચાશે, 98% કામ પૂર્ણ

Text To Speech
  • હાઈવેના નવીનીકરણ બાદ મુસાફરી સમયમાં અંદાજે ૩૦ થી ૪૫ મિનિટ જેટલા સમયની તેમજ વાહનોના ઇંધણમાં ૧૦ થી ૧૫ ટકા સુધી બચત: મંત્રી જગદીશ વિશ્વકર્મા

ગાંધીનગર, 17 માર્ચ : અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિશે મુખ્યમંત્રી વતી વિગતો આપતા સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીયકરણ કરવા માટે કુલ રૂ. ૩,૩૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. કુલ ૨૦૧.૩૩ કિ.મી. લાંબા આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પૈકી પ્રથમ તબક્કામાં હાથ ધરવામાં આવેલ ૧૯૭ કિ.મી.માંથી ૧૯૩ કિ.મી. એટલે કે ૯૮ ટકા કામગીરી ભૌતિક રીતે પૂર્ણ કરવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ-રાજકોટના છ માર્ગીયકરણ બાદ નાગરિકોના મુસાફરી સમયમા અંદાજે ૩૦ થી ૪૫ મિનિટ સુધીની બચત સાથે કુલ મુસાફરી સમય ઘટીને ૨.૩૨ કલાકનો થવાનો અંદાજ છે. જેના પરિણામે વાહનોના ઇંધણમાં અંદાજિત ૧૦ થી ૧૫ ટકા સુધીની બચત થશે.

આ પ્રોજેકટ વિશે વધુ માહિતી આપતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કુલ ૩૮ ફલાયઓવર-અન્ડરપાસના સ્ટ્રકચરની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પૈકી ૩૪ ફલાયઓવર-અન્ડરપાસ સ્ટ્રકચરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમજ ૪ સ્ટ્રકચરની કામગીરી પ્રગતિ હેઠળ છે.

આ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીયકરણ કરતા વારંવાર અકસ્માત થતા હોય તેવા બ્લેક સ્પોટના સ્થળે વર્ષ ર૦૧૯ની સાપેક્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ અકસ્માતમાં આશરે ૪૧ ટકાનો ધટાડો થયો છે. આ રસ્તા પર કુલ ૩૪ બ્લેક સ્પોટ હતા જે પૈકી હાલમાં કુલ ૩૧ બ્લેક સ્પોટનો નિકાલ કરવામાં આવ્યો છે અને બાકી ૩ જેટલા બ્લેક સ્પોટનો ઝડપથી નિકાલ કરાવમાં આવશે, તેમ મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :- કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની કરાશે સમીક્ષા, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ બોલાવી મહત્વની બેઠક

Back to top button