

ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર અને બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત 10 થી 16 જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાંથી કુલ 9523 પક્ષીઓને સારવાર આપી નવજીવન આપવામાં આવ્યું છે.

કરૂણા અભિયાન-2023માં સમગ્ર રાજ્યમાં 865થી વધારે પક્ષી નિદાન કેન્દ્રો, 750થી વધારે તબીબો, 8 હજારથી વધારે સ્વયંસેવકોએ ખડેપગે કાર્યરત રહીને પક્ષી બચાવવાનું સરાહનીય કાર્ય કર્યું છે. આ ઉપરાંત 333 જેટલી NGOએ વન વિભાગ સાથે મળીને આ કામગીરી વધુ સરળ બનાવી છે.
ઋષિકેશ પટેલે કરુણા અભિયાનની કામગીરીમાં જોડાયેલા સૌ સ્વયંસેવકો તથા તબીબોની સેવાને બિરદાવતા કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાનમાં સહભાગી થયેલી NGO, સેવાભાવી સંસ્થાઓ અને તબીબોનું તેમની ઉમદા કામગીરી માટે પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન કરવામાં આવશે.