રાજ્યમાં રવિવારનો દિવસ ગોઝારો, જુદાં-જુદાં સ્થળોએ કુલ 19 લોકો ડૂબ્યાં, 7નાં મોત
રાજ્યમાં રવિવારનો દિવસ ગોઝારો સાબિત થઈ હતો. રાજ્યમાં એક જ દિવસમાં 19 લોકો પાણીમાં ડૂબ્યા હતા જેમાંથી 7નાં કરૂણ મોત નિપજ્યા હતા. અવરલ્લી અને રાજકોટમાં 2-2 જ્યારે પંચમહાલ, જેતપુર, બનાસકાંઠામાં 1-1 અને દમણમાં 5માંથી 2ને બચાવ્યા છે, જ્યારે 3ની શોધખોળ ચાલું છે.
એક જ દિવસમાં 19 ડૂબ્યાં, 7નાં મોત
રાજ્યમાં એક જ દિવસમાં 19 લોકો ડૂબ્યા અ 7નાં મોત થયાની ઘટના સામે આવી છે, જેના કારણે રવિવાર ગોઝારો સાબિત થયો છે. દિવસભરની ઘટનાઓની વાત કરીએ તો, અરવલ્લીના ઝાંઝરી ધોધમાં ડૂબવાથી 2 લોકોનાં મોત થયા છે, પંચમહાલમાં ખાડામાં ડૂબતા બાળકનું મોત થયું છે. રાજકોટના જેતપુરમાં બાળકનું મોત, 2નો બચાવ થયે છે. બનાસકાંઠામાં ત્રણ ડૂબ્યા, જેમાં એકનું મોત થયું છે. દમણમાં 5 લોકો ડૂબ્યા, જેમાં 2ને બચાવાયા અને 3ની શોધખોળ ચાલી રહી છે. જ્યારે રાજકોટમાં 5 લોકો ડૂબ્યા, જેમાં 3નો બચાવ અને 2ના દર્દનાક મોત નિપજ્યા છે.
પ્રથમ ઘટનાઃ દમણ
દમણના દરિયામાં 5 પ્રવાસીઓ ડૂબ્યા હતા. જેમાંથી 2 ને બચાવી લેવાયા છે તો ત્રણની શોધખોળ ચાલુ છે. પોલીસ અને ફાયર બ્રિગેડ સહિત તરવૈયાઓની ટીમ સ્થળ પર પહોંચીને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી હતી. આ તમામ પ્રવાસીઓ સુરતથી દમણ ફરવા આવ્યા હોવાની માહિતી સામે આવી છે.
બીજી ઘટનાઃ રાજકોટ
રાજકોટ નજીક નવાગામના ઢોરાં પાસે આવેલા તળાવમાં પાંચ મહિલાઓ ડૂબી હોવાની ઘટના બની હતી. જેમાંથી ત્રણનો આબાદ બચાવ થયો છે અને બે લોકો બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટરલમાં ખસેડાઇ હતી. જોકે બેભાન અવસ્થામાં દાખલ કરાયેલ એક બાળક અને મહિલાનું મોત નિપજ્યું છે. રાજકોટ ફાયરબ્રિગેડની ટીમને જાણ થતા જ ટીમ પહોંચી ગઇ હતી અને રેસ્ક્યુ દરમિયાન એક મહિલા અને એક યુવતીને 108 મારફતે ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડાઇ હતી.
રાજકોટના નવાગામ રંગીલા નગર પાસે પાણીના ખાડામાં આ દુર્ઘટના બની હતી. જેમાં પાણીના ખાડામાં કપડાં ધોવા સમયે એક બાદ એક પાંચ લોકો ડૂબી ગયા હતા. પાણીમાં ગરકાવ થયેલ એક બાળક અને બાળકીને બચાવવા જતા ત્રણ લોકો પાણીમાં ડૂબી ગયા હતા. ડૂબેલા પાંચ પૈકી એક મહિલા અને એક બાળકીનું મૃત્યુ થયુ છે જ્યારે 3 ને બચાવી લેવામાં આવ્યા છે.
ત્રીજી ઘટનાઃ પંચમહાલ
પંચમહાલના શહેરાની અણીયાદ ચોકડી પાસે આઠ વર્ષનું બાળક ખાડામાં ગરકાવ થયું હતું. લગભગ 10 કલાકની શોધખોળ બાદ આ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. બિલ્ડિરની બેદરકારીના કારણે નિર્માણધીન બિલ્ડીંગના પાછળના ભાગમાં ખોદવામાં આવેલા ખાડામાં આ ઘટના બની હતી. આ ખાડામાં પાણી પણ ભરેલું હતું.
ચોથી ઘટનાઃ બનાસકાંઠા
અમદાવાદના મેઘાણીનગરથી ઝાંઝરી ધોધ પર પિકનિક માટે 6 વ્યક્તિઓ પહોંચ્યા હતા. જ્યાં ભોગીયા ધરામાં 6 વ્યક્તિઓ ધોધમાં નહાવા માટે પડ્યા હતા. પરંતુ દુર્ભાગ્યવશ જીતુ બગેલ અને અમન તોમર નામના બે વ્યક્તિઓ ડુબવા લાગ્યા હતા. સ્થાનિક લોકોની તેમના પર નજર પડતાં બન્ને યુવકોને બચાવવાની પુરેપુરી કોશિશ કરી હતી, પરંતુ ઝાંઝરી ધોધમાં બન્ને યુવકોના કરૂણ મોત નિપજ્યા હતા.
પાંચમી ઘટનાઃ રાજકોટ, જેતપુર
જેતપુર પાસે આવેલી ભાદર નદીમાં નહાવા પડેલા ત્રણ બાળકો ડૂબ્યાની ઘટના સામે આવી છે. આ ત્રણ બાળકો માંથી એક બાળકનું મોત થયુ છે. જ્યારે બે બાળકોને બચાવી લેવાયા છે, તેમજ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સામા કાંઠા વિસ્તારમાં ભાદર નદીનીમાં ત્રણ બાળકો નહાવા પડ્યા હતા. જોકે નદીમાં પાણીનું અચાનક વહેણ વધતા તેઓ ડૂબવા લાગ્યા હતા.