આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ફાટેલી નોટ, ટેસ્ટી ટ્રીટ અને સ્પાઈસી મિક્સ્ચરઃ પોલીસે આવી રીતે ઉકેલ્યો ડ્રગ્સના ગોરખધંધાનો કોયડો

નવી દિલ્હી, 11 ઑક્ટોબર, 2024: ફાટેલી ચલણી નોટનો ઉપયોગ, સ્પાઈસી મિક્સ્ચર અને ટેસ્ટી ટ્રીટ જેવા કોડવર્ડ દ્વારા ભારતમાં નશીલા પદાર્થો ઘૂસાડવાના ગોરખધંધા થઈ રહ્યા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. થોડા દિવસ પહેલાં દિલ્હીમાં પોલીસે 7 હજાર કરોડ રૂપિયાના ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ થોડા દિવસમાં બીજો પણ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ કેસમાં ઊંડી તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું કે, કોડ વર્ડ દ્વારા ડ્રગ્સના આવા જંગી જથ્થાની ડિલિવરી કરવામાં આવી હતી. ઉપરાંત જૂની ફિલ્મોની જેમ અડધી ફાટેલી નોટો અને તેના નંબરનો ઉપયોગ કરીને માલસામાનની ડિલિવરી કરવામાં આવતી હતી.

હકીકતે આજે દિલ્હી પોલીસે પશ્ચિમ દિલ્હીની એક દુકાનમાંથી રૂ. 2,080 કરોડની કિંમતનો 208 કિલો કોકેઈન જપ્ત કર્યો તે સાથે આ બધું રહસ્યોદ્ઘાટન થયું હતું.  એક સપ્તાહમાં ઝડપાયેલી ડ્રગ્સનું આ બીજું કન્સાઈનમેન્ટ છે. પોલીસનું કહેવું છે કે, આ નશીલા પદાર્થો પ્લાસ્ટિકના નાસ્તાના પેકેટમાં છુપાવવામાં આવ્યા હતા અને તેના પર ‘ટેસ્ટી ટ્રીટ’ અને ‘સ્પાઇસી મિક્સચર’ લખેલું હતું.

દિલ્હીમાં પોલીસે 7 હજાર કરોડ રૂપિયાના ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કહ્યું કે કોડ વર્ડ દ્વારા ડિલિવરી કરવામાં આવી હતી. ઉપરાંત જૂની ફિલ્મોની જેમ અડધી ફાટેલી નોટો અને તેના નંબરનો ઉપયોગ કરીને માલસામાનની ડિલિવરી કરવામાં આવતી હતી. કોકેઈનનું કન્સાઈનમેન્ટ બે વખત દિલ્હી પહોંચ્યું હોવાનું અને કન્સાઈનમેન્ટ આવે ત્યારે તેમાં સંકળાયેલી દાણચોરી ટોળકીના સભ્યો સક્રિય થઈ જતા હતા.

પોલીસે ખુલાસો કર્યો કે, ટોળકીના દરેક સભ્યનું કામ અને હિસ્સો વિદેશમાં બેઠેલા તેમના આકા દ્વારા નક્કી કરવામાં આવતો હતો. કન્સાઈનમેન્ટ પહોંચે પછી કોકેઈનને ફરીથી નાના નાના જથ્થામાં પેક કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે, કાર્ટેલના લોકો એકબીજા સાથે વાત કરવા માટે પેઇડ એપ્સનો ઉપયોગ કરતા હતા. પકડાયેલો એક આરોપી તુષાર બે વખત દિલ્હી એનસીઆરથી ડિલિવરી લઈ ગયો હતો. ખાસ વાત એ છે કે કાર્ટેલના મોટાભાગના સભ્યો એકબીજાથી અજાણ હતા.

દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઈન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટના માસ્ટર માઈન્ડ વીરેન્દ્ર બસોયાએ લંડનથી બે જણાને મોકલ્યા હતા તેમાં એક જીમી હતો, જે 5600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પહોંચાડવા આવ્યો હતો. તેણે 17મી સપ્ટેમ્બરે તુષાર પાસે ડિલિવરી કરાવી હતી. આજે વધુ એક બદમાશ પકડાઈ ગયો હતો જે 2000 કરોડના કોકેઈનનો નિકાલ કરવા આવ્યો હતો. 16 સપ્ટેમ્બરે તેણે તુષાર અને સૈફી નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સની ડિલિવરી લીધી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઝડપાયેલા બદમાશે થોડા દિવસ પહેલાં જ દુકાન ભાડે લીધી હતી. તેમણે કહ્યું કે દુકાન માલિક સહિત બે લોકોની અટકાયત કરવામાં આવી છે અને પૂછપરછ કરવામાં આવી છે. એવી આશંકા છે કે આરોપી ડ્રગના કન્સાઈનમેન્ટ દેશના અન્ય ભાગોમાં પહોંચાડવા માગતો હતો પરંતુ પોલીસે 2જી ઓક્ટોબરે ડ્રગ્સ કબજે કર્યા બાદ તે ભાગી ગયો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતના દરિયાઈ માર્ગ ઉપરાંત બીજી કઈ કઈ સરહદેથી દાણચોરીથી ડ્રગ્સ ઘૂસાડાય છે? જાણો

Back to top button