ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મંદિર હોય કે દરગાહ… રસ્તાની વચ્ચે અવરોધ ન બની શકે: બુલડોઝર કેસમાં SCની કડક ટિપ્પણી

  • આપણે એક ધર્મનિરપેક્ષ દેશ છીએ અને અમારા નિર્દેશો દરેક માટે સમાન હશે, પછી ભલે તે કોઈપણ ધર્મ કે સમુદાયનો હોય: SC

નવી દિલ્હી, 01 ઓક્ટોબર: સુપ્રીમ કોર્ટે આજે મંગળવારે સાર્વજનિક સ્થળે બનેલા મંદિર, મસ્જિદ અથવા અન્ય કોઈ ધાર્મિક સ્થળને હટાવવા અંગે કડક ટિપ્પણી કરી છે. બુલડોઝર કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “આપણે એક ધર્મનિરપેક્ષ દેશ છીએ અને અમારા નિર્દેશો દરેક માટે સમાન હશે, પછી ભલે તે કોઈપણ ધર્મ કે સમુદાયનો હોય. કોઈ સાર્વજનિક સ્થાન કે રસ્તા પર ધાર્મિક માળખું અડચણ ન બની શકે. હાલ પૂરતું સમગ્ર દેશમાં ડિમોલિશન પર વચગાળાનો પ્રતિબંધ ચાલુ રહેશે.”

સુનાવણી દરમિયાન જસ્ટિસ ગવઈએ કહ્યું કે, “પછી ભલે તે મંદિર હોય, દરગાહ હોય કે અન્ય કોઈ ધાર્મિક સ્થળ. જ્યાં જાહેર સલામતીની ચિંતા હોય અને તે સ્થળ પબ્લિક પ્લેસ પર હોય, તેને દૂર કરવું પડશે. જાહેર સલામતી સર્વોપરી છે.” સુનાવણી દરમિયાન જસ્ટિસ કે.વી.વિશ્વનાથને કહ્યું કે, જો બે ઉલ્લંઘનકારી માળખાં હોય અને માત્ર એક સામે જ કાર્યવાહી કરવામાં આવે તો પ્રશ્ન ઊભો થાય છે.

 

એક વર્ષમાં 4-5 લાખ કાર્યવાહી થાય છે

જસ્ટિસ ગવઈએ કહ્યું કે, ‘અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે માત્ર એટલા માટે તોડફોડ ન કરી શકાય, કારણ કે કોઈ વ્યક્તિ આરોપી અથવા દોષિત છે.  ઉપરાંત, તે ધ્યાનમાં રાખવું પડશે કે ડિમોલેશન ઓર્ડર પસાર થાય તે પહેલાં મર્યાદિત સમય હોવો જોઈએ. દર વર્ષે 4થી 5 લાખ ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોનો આ આંકડો છે.

સમય મળે તો કરી લેશે વૈકલ્પિક વ્યવસ્થા

સુનાવણી દરમિયાન જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે, ભલે બાંધકામ અધિકૃત ન હોય, પરંતુ કાર્યવાહી બાદ મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને રસ્તા પર જોવા સારી બાબત નથી. જો તેમને સમય મળશે તો તેઓ વૈકલ્પિક વ્યવસ્થા કરી લેશે.

સોલિસિટર જનરલે કહ્યું કે, આમાંથી આપણે માત્ર 2% વિશે અખબારોમાં વાંચીએ છીએ, જેના વિશે વિવાદ છે. આ સાંભળીને જસ્ટિસ ગવઈ હસ્યા અને કહ્યું, “બુલડોઝર જસ્ટિસ!” તેમણે કહ્યું કે, “અમે નીચલી અદાલતોને ગેરકાયદે બાંધકામના મામલામાં આદેશો પસાર કરતી વખતે સાવચેત રહેવાની સૂચના આપીશું.”

જમિયતના વકીલ સિંઘવીએ શું કહ્યું?

SG મહેતાએ સુનાવણી દરમિયાન પૂછ્યું કે, “હિન્દુ-મુસ્લિમની વાત શા માટે આવે છે. તેઓ હંમેશા કોર્ટમાં જઈ શકે છે, જેમાં ભેદભાવ ક્યાં છે.” જસ્ટિસ વિશ્વનાથે સુનાવણી દરમિયાન કહ્યું કે, આના માટે કેટલાક ઉકેલ શોધવા પડશે, જેમ કે ન્યાયિક નિરીક્ષણ કરવામાં આવે.  જમીયતના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, કોર્ટે ભૂતકાળની વાત કરવાને બદલે ભવિષ્યમાં આ અંગેના નિયમો બનાવવા પર વિચાર કરવો જોઈએ.”

આ પણ જૂઓ: પોતાની દીકરીના લગ્ન, બીજાને સંન્યાસી બનવા કેમ પ્રેરણા આપો છો! આ કોર્ટના જગ્ગી વાસુદેવને તીખા સવાલ

Back to top button