બિસ્કીટ ખરીદવા આવેલ ટાબરીઓ દુકાનમાંથી રૂ.10 લાખ ચોરી ગયો
- કલોલ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ લથડી ગઈ છે
- પંચવટી વિસ્તારમાં વિનાયક કિરાણા દુકાનમાં ઘટના બની
- બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ આવી હતી
ગુજરાતમાં આવેલ કલોલ ખાતે પંચવટીમાં દિનદહાડે દુકાનમાંથી વેપારીનું 10 લાખ ભરેલું પાકીટ ચોરી કિશોર ભાગી ગયો હતો. બિસ્કીટ માંગવા આવેલો કિશોર વેપારીની નજર ચૂકવી પાકીટ બઠ્ઠાવી ગયો હતો. શહેર જાણેકે ચોર-લૂંટારુઓના હવાલે થયુ છે. ચોરી-લૂંટફાટની ઘટનાઓથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કલોલ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ લથડી ગઈ છે.
આ પણ વાંચો: ગુજરાતના ત્રણ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
પંચવટી વિસ્તારમાં વિનાયક કિરાણા દુકાનમાં ઘટના બની
કલોલ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ લથડી ગઈ છે. પંચવટી વિસ્તારમાં વિનાયક કિરાણા દુકાનમાંથી કોઈ ગઠીયો વેપારીની નજર ચુકવી રૂપિયા દસ લાખની રોકડ ભરેલ પાકીટ ચોરીને ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે આસપાસના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સામેના શોપીંગમાં બે દિવસ અગાઉ જ એક જ રાતમાં ત્રણ દુકાનના તાળા તૂટયા હતા.
આ પણ વાંચો: ખુશીના સમાચાર: વંદે ભારત ટ્રેનથી દોઢ કલાકમાં પાલનપુરથી અમદાવાદ પહોંચાશે
કલોલ શહેરમાં ચોર અને લૂંટારૂઓ બેફામ બન્યા
કલોલ શહેરમાં ચોર અને લૂંટારૂઓ બેફામ બન્યા છે. પોલીસનું કોઈજ અસ્તિત્વ ના હોય તેમ શહેરમાં દિન દહાડે ચોરી લૂંટફાટની ઘટનાઓ બની રહી છે. શહેરના હાઈવે ઉપર પંચવટીના ગરનાળા પાસે આવેલ વિનાયક કિરાણા સ્ટોરમાંથી ગઠિયો રૂપિયા દસ લાખની રોકડ ભરેલું પાકીટ ચોરીને ફરાર થઈ ગયો હતો. વેપારી સવારે દુકાન ખોલવા આવ્યા હતા. વેપારીને અમદાવાદ પેમેન્ટ ચુકવવાનું હોવાથી ઘરેથી પાકીટમાં રૂા.10 લાખની રકમ લઈને દુકાને આવ્યા હતા. તેમણે દુકાનની સાઈડનું શટર ખોલીને પોતાની પાસે રહેલ રૂા.10 લાખની રકમ ભરેલ પાકીટ દુકાનમાં મુકીને આગળના ભાગનું શટર ખોલવા ગયા હતા. ત્યારે એક કિશોર બિસ્કિટ લેવાના બહાને દુકાને આવ્યો હતો. તેણે વેપારી પાસે બિસ્કિટનું પેકેટ માંગ્યું હતું.
આ પણ વાંચો: રાજ્ય સરકારની નવીન પહેલ એટલે સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ
બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી
વેપારીએ બિસ્કિટ નથી તેમ કહેતા તે ત્યાં ઉભો રહ્યો હતો. વેપારી શટર ખોલી રહ્યા તે દરમિયાન કિશોરે નજર ચુકવી વેપારીએ અંદર મુકેલ દસ લાખ રૂપિયા ભરેલું પાકીટ ચોરીને પળવારમાં ફરાર થઈ ગયો હતો. વેપારી શટર નહી ખુલતા દુકાનમાં પરત આવ્યા હતા. દુકાનમાં પોતાનું પાકીટ નહી જોતા હાંફળા ફાંફળા બની ગયા હતા. વહેલી સવારે બનેલી ચોરીની ઘટનાને પગલે વેપારીઓનું ટોળું એકત્ર થઈ ગયું હતું. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી. પોલીસની સામે એક પડકાર ઉભો થયો છે.