ગુજરાતફોટો સ્ટોરી

કાષ્ઠ પર અગ્નિથી અદ્ભૂત ચિત્રકારી કરતા સુરતના શિક્ષક રવિ રાદડિયા

Text To Speech

સુરતઃ નાનપણથી જ જીવનમાં કંઇક વિશેષ કરવાની તમન્ના ધરાવતા શિક્ષક એવા રવિ રાદડિયાએ વેસ્ટ લાકડાની પ્લાયને બાળી પાયરોગ્રાફી આર્ટ કળા શીખીને અનેક ચિત્રો બનાવીને આજે આત્મનિર્ભર બન્યા છે. તાજેતરમાં સુરતના સરસાણા ખાતે આયોજીત ત્રિ-દિવસીય પાટીદાર ગ્લોબલ બિઝનેસ સમીટમાં પાયરોગ્રાફી આર્ટ કલાથી બનેલા ચિત્રોનું પ્રદર્શન સહ વેચાણ માટે આવેલા શહેરના રવિ રાદડિયાની કલાની સૌ કોઈ સરાહના કરી રહ્યા છે.

કાષ્ઠ પર અગ્નિથી ચિત્રકારી કરતા સુરતના રવિ રાદડિયા
પાયરોગ્રાફી કહેવાતી આ કળા ગુજરાતમાં પ્રથમ વખત સુરતમાં રજૂ થઈ
પાયરોગ્રાફી આર્ટ એટલે કે લાકડાની નેચરલ પ્લાય ઉપર રેણીયા અને લાઈટર વડે લાકડાને બાળીને કરવામાં આવતુ આર્ટ
ઈજિપ્તવાસીઓ અને આફ્રિકન આદિજાતિમાં આ કલા લોકપ્રિય

પાયરોગ્રાફી કહેવાતી આ કળા ગુજરાતમાં પ્રથમ વખત સુરતમાં રજૂ થઈ

વ્યવસાયે શિક્ષક એવા રવિ રાદડિયા કહે છે કે, મને નાનપણથી સર્જનાત્મક કાર્યોમાં રૂચિ હતી. જેમાં પણ ખાસ કરીને આર્ટ કલામાં રૂચિ હતી. એક વાર પાયરોગ્રાફી આર્ટ બનાવતો વીડિયો સોશિયલ મીડિયા પર જોયા હતો. એ વીડિયોમાંથી મને પ્રેરણા મળી અને મેં ચિત્ર બનાવવાની શરૂઆત કરી. જેમાં સફળતા મળતા શિક્ષકની નોકરી છોડી આર્ટ-કલાને જ પોતાનો બિઝનેસ બનાવી આજે આત્મનિર્ભર બન્યો છું. આજે મને દિલ્હી મુંબઇ તેમજ વિદેશોમાંથી પણ ઓર્ડર મળી રહ્યા છે. કલાના માધ્યમથી દર મહિને રૂ.35 હજાર વધુની હું કમાણી કરી રહ્યો છું.

પાયરોગ્રાફી કળા હસ્તગત કરનારા ચિત્રકાર રવિ રાદડિયા

પાયરોગ્રાફી કળા અંગે વાત કરતા રવિ રાદડિયાએ વધુમાં કહ્યું કે, “હું નાનપણથી જ આર્ટના વિષયમાં રસ ધરાવતો હતો. પરંતુ સમયની સાથે બી.એસ.સી સુધીનો અભ્યાસ કર્યા બાદ શાળા શિક્ષક તરીકે નોકરીની સાથે પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું હતું. એક દિવસ મને પાયરોગ્રાફી આર્ટથી ચિત્ર બનાવવાનો વિચાર આવ્યો અને મેં લાકડાને બર્નિંગ કરીને ચિત્ર બનાવવાની શરૂઆત કરી.

રવિ રાદડિયા કહે છે કે, મને રસ હતો એટલે મેં પાયરોગ્રાફી આર્ટના અભ્યાસની તપાસ કરી તો ભારતમાં કોઇ પણ કેન્દ્ર ન હતું. જેથી જાત મહેનત અને પ્રયોગો કરી પાયરોગ્રાફી શીખ્યો છું. પાયરોગ્રાફી આર્ટ પર કામ કરતા મને બે વર્ષ જેવો સમય લાગી ગયો. આખરે મહેનત રંગ લાવી પાયરોગ્રાફી આર્ટની કલાથી હું પોતે આત્મનિર્ભર બન્યો છું. સારી એવી કમાણી થઈ રહી છે. ભવિષ્યમાં હું પાયરોગ્રાફી શીખવા માંગતા લોકો માટે કલાસ શરૂ કરીશ તેમ તેમણે જણાવ્યુ હતું.

Back to top button