દિલ્હીમાં ગેરકાયદે વસવાટ કરતા વિદેશીઓનો સર્વે કરાશે, પોલીસ કમિશનરે આપ્યા આદેશ
દેશની રાજધાની દિલ્હીમાં આશરે 900 પાકિસ્તાનીઓ ગેરકાયદેસર રીતે રહે છે, પરંતુ પોલીસને તેમના ઠેકાણાની ખબર નથી. આ સિવાય દિલ્હીમાં કેટલા બાંગ્લાદેશી અને રોહિંગ્યા છે તે પણ પોલીસને ખબર નથી. જ્યારે કે, પાકિસ્તાનીઓ, બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ ઉપરાંત 5477 વિદેશીઓ દિલ્હીમાં ગેરકાયદેસર રીતે રહે છે. હવે દિલ્હી પોલીસ G-20 કોન્ફરન્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓને શોધવા માટે સર્વે કરશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ ગયા અઠવાડિયે યોજાયેલી કાયદો અને વ્યવસ્થાની બેઠકમાં સર્વે કરવાની મંજૂરી આપી છે. આ અંગે તમામ જિલ્લાના ડીસીપી સર્વે કરશે.
વિદેશીઓને શોધી કાઢીને દેશનિકાલ કરવામાં આવશે
સ્પેશિયલ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ડેટા FRRO દ્વારા આપવામાં આવે છે. આ પછી દિલ્હી પોલીસ શોધી કાઢે છે કે ગુમ થયેલા વિદેશીઓ ક્યાં રહે છે. સ્પેશિયલ બ્રાન્ચના એડિશનલ પોલીસ કમિશનર રજનીશ ગુપ્તાએ જણાવ્યું કે આ એક રૂટિન પ્રક્રિયા છે. અન્ય એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે દિલ્હીમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓને શોધી કાઢીને દેશનિકાલ કરવામાં આવશે. તે જ સમયે, સુરક્ષા નિષ્ણાતોનું કહેવું છે કે દિલ્હીમાં ગેરકાયદેસર રીતે રહેતા 900 પાકિસ્તાનીઓ સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે.