કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

મોરબી દુર્ઘટનાના હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપવા બુધવારે રાજ્યવ્યાપી શોક જાહેર

Text To Speech

મોરબીમાં રવિવારે સાંજે બનેલી ગોઝારી ઘટનામાં 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઝૂલતો પુલ તૂટવાના કારણે અનેક લોકો મચ્છુ નદીમાં ખાબકયા હતા. જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલીક અસરથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, ઘટના બની ત્યારબાદ જોત જોતામાં આ ઘટનાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બનાવના પગલે 135 લોકોના મોતનો આંકડો સામે આવ્યો હતો. આ ઘટનાને પગલે રાજ્ય સરકારે પણ ત્વરિત કાર્યવાહી આરંભી હતી અને જરૂરી મદદ પુરી પાડી હતી. ત્યારે આ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લેતા આગામી તા.2 નવેમ્બર એટલે કે બુધવારે રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવશે. આ દિવસે તમામ સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે તેમજ ઇમારતો ઉપર ધ્વજ અડધી કાઠીએ ફટકારવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે આવશે મોરબી

ઉલ્લેખનીય છે કે જે ઘટના રવિવારે મોરબીમાં ઘટી હતી તેના પડઘા વિશ્વ આખામાં પડ્યા છે. માત્ર દેશ નહીં પરંતુ વિદેશમાંથી પણ મૃતકો અને ઈજાગ્રસ્તો માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. ઘટનાના ગણતરીના કલાકોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી દોડી આવ્યા હતા અને આખી રાત પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો જે બાદ આજે એટલે કે ઘટનાના બીજા દિવસે પણ સતત સ્થિતિની સમીક્ષા કરી હતી. તેવામાં હાલ ગુજરાતના પ્રવાસે રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના તમામ કાર્યક્રમને ટૂંકાવી મોરબી આવવાની જાહેરાત કરી છે. તેઓ અહીં હોસ્પિટલ અને ઘટનાસ્થળે મુલાકાત લે તેવી શક્યતા સેવાઈ રહી છે. તેમજ જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેના માટે જરૂરી સુચનો પણ આપી શકે છે.

Back to top button