ખેડામાં પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની DGP-IGP કોન્ફરન્સ યોજાઇ


- કોન્ફરન્સમાં વિવિધ યુનિટના વડાઓ સહિત 50થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
ખેડા, 14 નવેમ્બર: ખેડા સ્થિત ખલાલના કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર ખાતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની ડીજીપી-આઇજીપી કોન્ફરન્સ યોજાઇ હતી. વડાપ્રધાનની ડીજીપી-આઇજીપી કોન્ફરન્સમાં પોલીસીંગને લગતા વિવિધ વિષયો પર મળેલા સૂચનો અંગે ચર્ચા કરી તેના સુચારૂ અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિવિધ યુનિટના વડાઓ તથા શહેર/ રેન્જ/ જિલ્લાના વડાઓ મળીને 50થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ પોલીસીંગને લગતા વિષયો પર મહત્ત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં પ્રતિવર્ષ ડીજીપી-આઇજીપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. આ કોન્ફરન્સમાં સાયબર સિક્યોરિટી, ટેક્નોલોજીનો ઉપયોગ, ઇન્ટર્નલ સિક્યોરિટી, બોર્ડર સુરક્ષા, દરિયાઇ સુરક્ષા, આતંકવાદ જેવા વિવિધ પોલીસીંગને લગતા વિષયો પર મહત્ત્વપૂર્ણ સૂચનો આપવામાં આવે છે. આ સૂચનોની અમલવારી રાજ્યમાં છેવાડાના પોલીસ સ્ટેશન સુધી સુચારૂ રૂપે થાય તે માટે રાજ્યના પોલીસ વડાની અધ્યક્ષતામાં ડીજીપી-આઇજીપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતું.
ડીજીપી-આઇજીપી કોન્ફરન્સમાં ઉપસ્થિત સૌ ઉચ્ચ પોલીસ અધિકારીઓને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ કોન્ફરન્સમાં મળેલા સૂચનોનું મહત્ત્વ સમજાવવામાં આવ્યુ હતુ અને તે સૂચનોનું સૂચારૂ રીતે સ્થાનિક લેવલ સુધી અમલીકરણ થાય તેના પર ભાર મુકવામાં આવ્યો હતો. વિશેષમાં આધુનિક યુગમાં ડ્રોન ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા પણ સૂચન કર્યુ હતું. આ કોન્ફરન્સમાં વિવિધ યુનિટના વડાઓ તથા શહેર/ રેન્જ/ જિલ્લાના વડાશ્રીઓ મળીને 50થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ જૂઓ: અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાના કેસમાં રક્ષક જ ભક્ષક નીકળ્યોઃ જાણો કોણ છે એ અને ક્યાંથી ઝડપાયો?