- કાઠમંડુ નેપાળમાં યોજાયો આંતરરાષ્ટ્રીય સેમિનાર
- સેમિનારમાં વિવિધ દેશોની યુનિવર્સિટીના કુલપતિઓ, પ્રાધ્યાપકો, સંશોધકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સંશોધનપત્રો રજૂ કર્યાં
અમદાવાદ, 31 મે: સંચાર (Communication) નું સાધારણીકરણ મોડેલ આગામી દાયકામાં સંચારના પાશ્ચાત્ય મોડેલો કરતા સર્વોપરી સાબિત થશે.યુરો સેન્ટ્રિક અને અમેરિકન મોડેલ્સમાં રહી ગયેલી ખામીઓને હટાવીને બનાવવામાં આવેલું આ ભારતવર્ષીય મોડલ તમામ આધુનિક સંચાર પ્રક્રિયા સાથે પણ તાલ મિલાવે છે અને મલ્ટી ડિસિપ્લિનરી સંશોધનમાં પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે. કાઠમંડુ નેપાળ ખાતે “સાધારણીકરણ મોડલના બે દાયકા અને તેનું ભવિષ્ય” વિષયે સંબોધન કરતા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ (એનઆઈએમસીજે)ના નિયામક પ્રો.(ડૉ.) શિરીષ કાશીકરે આ પ્રમાણે જણાવ્યું હતું.
ડૉ. કાશીકરે આ આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ઓનલાઇન-ઓફલાઈન ઉપસ્થિત રિસર્ચ સ્કોલરો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે ભારતની જ્ઞાન પરંપરાની મહાનતાનો પશ્ચિમને હવે અનુભવ થઈ રહ્યો છે. સાધારણીકરણ મોડેલને ડૉ. નિર્મલમણી અધિકારીએ ભરતમુનિના નાટ્યશાસ્ત્ર અને ભતૃહરીના વાક્યપદિયના આધારે વિકસાવ્યું છે જે કોઈપણ પાશ્ચાત્ય સંચાર મોડલ કરતા અલગ છે. પાશ્ચાત્ય મોડેલોમાં જે ખામીઓ હતી તે અહીં દૂર કરવામાં આવી છે. આ મોડેલ એટલા માટે સર્વોપરી છે કારણ કે અહીં માત્ર માનવીના જીવનકાળના સંચાર અને તેમાં આવતી સમસ્યાઓનો હલ નથી પરંતુ મોક્ષ પ્રાપ્તિની પણ તેમાં ચર્ચા છે. કોઈપણ યૂરો સેન્ટ્રિક કે અમેરિકન મોડેલ આ સ્તરે જઈ શક્યું નથી.
ડૉ. કાશીકરે વધુમાં જણાવ્યું હતું કે ભારતવર્ષીય અથવા હિન્દુ તત્વજ્ઞાન આધારિત આ સંચાર મોડેલ હવે ભારતની વિવિધ મીડિયા સંસ્થાઓ/ યુનિવર્સિટીઓમાં સ્વીકૃતિ પામ્યું છે અને તેના પર ઇન્ટરડિસિપ્લિનરી અને મલ્ટીડિસિપ્લિનરી સંશોધનો થઈ રહ્યા છે. ડૉ. નિર્મલમણી અધિકારીની ૨૦ વર્ષની મહેનતની આ ફળશ્રુતિ છે.
આ આંતરરાષ્ટ્રીય સેમિનારમાં એનઆઇએમસીજેના સહાયક પ્રાધ્યાપક શ્રી કૌશલ ઉપાધ્યાયે “સાધારણીકરણ મોડેલ અને બર્લોના સંચાર મોડેલનું તુલનાત્મક વિશ્લેષણ” પર તૈયાર કરેલું સંશોધનપત્ર ઓનલાઈન પ્રસ્તુત કર્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે “સાધારણીકરણ મોડેલના બે દાયકા” એ વિષય પર યોજાયેલા આ આંતરરાષ્ટ્રીય સેમિનારનું કાઠમંડુ યુનિવર્સિટીના ભાષા અને પત્રકારત્વ ભવન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ભોલા થાપા, ભવનના વડા ડૉ. નિર્મલમણી અધિકારી, વિવિધ દેશોની યુનિવર્સિટીના કુલપતિઓ, પ્રાધ્યાપકો, સંશોધકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સંશોધનપત્રો રજૂ કર્યાં હતાં.
આ પણ વાંચોઃ કોઈ ઉદ્યોગપતિનું દેવું માફ નથી થયું, 10 લાખ કરોડ વસુલવામાં આવ્યા છેઃ નિર્મલા સિતારમણ