પાકિસ્તાની ISI માટે જાસૂસી કરનાર ગુજરાત ATS ના હાથમાં ઝડપાયો
- ગુજરાત ATSએ જાસૂસીના આરોપમાં 53 વર્ષના વ્યક્તિની કરી ધરપકડ, પાકિસ્તાનને મોકલતો હતો ગુપ્ત માહિતી
ગુજરાત ATS એ જાસૂસીના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી પાકિસ્તાનની જાસૂસી એજન્સી માટે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. તે એજન્સી માટે આર્મીના જવાન અને અધિકારીઓના ફોન ટેપ કરતો હતો. આરોપીની ઓળખ લાભશંકર મહેશ્વરી તરીકે થઇ છે. ATSએ આર્મી અને એરફોર્સ દ્વારા મળેલા ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે આરોપીની ધરપકડ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જૂલાઇ માસમાં એમ આઇ અધિકારીઓને એક પાકિસ્તાની ઇન્ટેલિજન્સ ઓપરેટીવ દ્વારા ચલાવવામાં આવતા એક અભિયાન વિશે માહિતી મળી હતી. જેમાં એક વોટ્સએપ નંબરના માધ્યમથી સુરક્ષા જવાનોના ફોનમાં 15 ઓગષ્ટ પહેલા હર ઘર તિરંગા અભિયાનના નામ પર apk એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું હતું.
ISIને આપ્યો હતો ભારતીય ફોન નંબર
આરોપીએ સ્કૂલના ઓફિસર બનીને એવો પણ મેસેજ કર્યો હતો કે આર્મીના જવાન જેમના સંતાન આર્મી સ્કૂલો કે ડિફેન્સની સ્કૂલોમાં અભ્યાસ કરતા હોય તે પોતાના બાળકો સાથે રાષ્ટ્ધ્વજના ફોટા અપલોડ કરે. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ જ આ ભારતીય નંબર પાકિસ્તાનની જાસુસી એજન્સી ને ઉપલબ્ધ કરાવ્યો હતો. તેના દ્વારા સુરક્ષા જવાનોના મોબાઇલમાંથી ગુપ્ત જાણકારી મેળવવા તેમના ફોનને હેક કરી રહ્યા હતા.
આરોપી પાકિસ્તાની હિંદુ છે. તે સારવાર માટે 1999માં પોતાની પત્ની સાથે ભારતમાં આવ્યો હતો. શરૂઆતમાં તે પોતાની સાસરી તારાપુરમાં રહેતો હતો. ત્યારબાદ તેણે ત્યાં અનેક દુકાનો ખોલીને ધંધો જમાવ્યો. 2006માં તેને ભારતની નાગરિકતા મળી હતી. 2022માં તે પોતાના માતા-પિતાને મળવા પાકિસ્તાન ગયો હતો. ત્યાં તે દોઢ મહિના સુધી રોકાયો હતો તે દરમિયાન તેનું બ્રેનવોશ કરવામાં આવ્યું હતું. ત્યારથી તે પાકિસ્તાનની જાસૂસી એજન્સીના સંપર્કમાં છે. વોટ્સએપ એકાઉન્ટ બનાવ્યા બાદ તેણે સીમ કાર્ડ પાકિસ્તાન મોકલ્યું હતું. તેના બદલામાં તેને પૈસા મળ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદની SVP હોસ્પિટલમાં છ મહિના સુધી વિવિધ ટેસ્ટ 50 ટકા ડિસ્કાઉન્ટમાં થશે