‘સ્પોર્ટસ કાર્નિવલમાં’ જોવા મળ્યા પરંપરાગત સાંસ્કૃતિક નૃત્યો


નેશનલ ગેમ્સનો સોમવારને રોજ સુરત ખાતે સ્પોર્ટસ કાર્નિવલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે આ યોજાયેલ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત સ્કેટિંગ કરીને કાર્યક્રમની શોભા વધારી હતી.

સ્કેટર્સએ કેનાલ પાથ વે પર રોલર સ્કેટિંગ કર્યું
૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨’ના ભાગરૂપે સુરતના વેસુ આઈકોનિક કેનાલ પાથ વે પર શરૂ થયેલા ત્રિદિવસીય ‘સ્પોર્ટસ કાર્નિવલ’ના બીજા દિવસે સાંજે શહેરના વિવિધ સ્કૂલના ૫૦૦થી વધુ સ્કેટર્સએ કેનાલ પાથ વે પર રોલર સ્કેટિંગ કર્યું હતું. તેમજ પરંપરાગત આદિવાસી નૃત્યો જેમાં ડાંગી નૃત્ય, વસાવા હોળી નૃત્ય, ગામીતનું ઢોલ નૃત્ય, મેવાસી નૃત્ય, નર્મદા- તાપી જિલ્લાનાઆદિવાસી નૃત્યો સહિતના અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો શહેરીજનોએ મન ભરીને માણ્યા હતા.

સ્કેટિંગ પર ગરબા કર્યા
આ ઉપરાંત સુરતના રેન્ક વન સ્કેટિંગ કલબ દ્વારા કેનાલ પાથ વે પર સ્કેટિંગ ગરબાએ કર્યા હતા જે ગરબાએ સુરતીઓમાં અનોખું આકર્ષણ ઉભું કર્યું હતું. સાથોસાથ, કેનાલ પાથ વે પર શહેરીજનોએ ફૂડ ફેસ્ટિવલમાં અવનવી આદિવાસી અને ગુજરાતી પરંપરાગત વાનગીઓનો પણ સ્વાદ માણ્યો હતો.
નેશનલ ગેમ્સ પૂર્વે બાળકોને ભારતીય સંસ્કૃતિથી જોડવા અને તેમનો ઉત્સાહ વધારવા, સ્પોર્ટ્સ પ્રત્યે રસ જાગૃત કરવા અને આપણી પ્રાચીન ધરોહરથી આજની નવી પેઢીને માહિતગાર કરવા માટે ત્રિદિવસીય સ્પોર્ટ્સ કાર્નિવલ યોજાઈ રહ્યો છે, ત્યારે આ અવસરે મોટી સંખ્યામાં રમતપ્રેમી શહેરીજનો, યુવાનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.