કાળી ચૌદશે પાળિયાના પૂજનની વિશિષ્ટ પરંપરાઃ જાણો વિગતે
કચ્છ, 30 ઓકટોબર, આસો મહિનાની કૃષ્ણ પક્ષની ચૌદસના રોજ કાળી ચૌદસ ઉજવવામાં આવે છે. જેને નર્ક ચતુર્દશી, ભૂત ચતુર્દશી અથવા રૂપ ચતુર્દશી પણ કહેવામાં આવે છે. આ દિવસે કાળી માતા, હનુમાનજી, કાળ ભૈરવ, શનિદેવ, યમદેવ અને યંત્રોની પૂજાનું વિશેષ મહત્વ છે. કચ્છ જિલ્લામાં બંધાયેલા કલા સ્થાપત્ય, કિલ્લાઓ, મંદિરો, મસ્જિદો, મહેલો, ઘણા શિલાલેખો હાલ જોવા મળે છે. આ સિવાય ઇતિહાસમાં પાળિયા પણ જોવા મળે છે. કચ્છના ઇતિહાસકાર પ્રમોદભાઈ જેઠીએ વીસ વર્ષ આ પાળિયાઓ પર સંશોધન કરેલું છે. કાળી ચૌદશના દિવસે પાળિયાની પૂજા કરવામાં આવે છે. જેમાં વડવાઓને સિંદૂર લગાવવામાં આવે છે.
જિલ્લાના જાણીતા ઇતિહાસકાર પ્રમોદભાઈ જેઠી જેમણે કચ્છના શિલાલેખો અને પાળિયા પર અનેક સંશોધનો કરેલા છે. તેમને જ્યારે પાળિયા વિશે પૂછવામાં આવ્યું ત્યારે સૌપ્રથમ તેઓ જણાવે છે કે, પાળિયાએ આપણા પૂર્વજોની યાદ છે તેમની સ્મૃતિમાં બનાવવામાં આવે છે. કોઈ યુદ્ધમાં વીરગતિ પામતા લોકોના પણ પાળિયા બનાવવામાં આવે છે. કોઈ કુટુંબીજનોના પણ પાળિયા બનાવવામાં આવ્યા હોય તેવું પણ બનતું હોય છે. આવી રીતે અલગ અલગ કારણોથી પાળિયા બનાવવામાં આવ્યા હોય તેવું બને છે. કાળી ચૌદશના દિવસે આ પાળિયાને સિંદૂર ચઢાવવામાં આવે છે. આ સાથે પાળિયા પર નૈવેધ પણ ચઢાવવામાં આવે છે.
કથાકાર વિજયભાઈ વ્યાસ આ વિશે વધુ જણાવતા કહે છે કે, કાળી ચૌદશના દિવસે મહાકાળી ઉપાસના થાય છે સાથે આપણા જે પૂર્વજોના પાળિયા હોય તેની પૂજા થાય છે. તેને સિંદૂર અર્પણ કરવામાં આવે છે અને ત્યાં પૂજા કરી નૈવેધ પણ કરવામાં આવે છે. આ સિવાય જે વીર શહીદ થયા હોય તેના પાળિયાને નવા વસ્ત્રો પણ ધારણ કરવામાં આવે છે. ઘરમાં મૂંઝવણો ઉભી થાય અને તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે લોકો પાળિયાને પૂજવાનું શરૂ કરતા હોય છે. જેથી જે પાળિયા પર સિંદૂર લાગેલું જોવા મળતું હોય છે. તે પાળિયા પૂજનીય હોય છે. પાળિયાએ પૂર્વજોની સ્મૃતિમાં બનાવવામાં આવ્યા હોય છે. તેથી તેનું તેના કુટુંબીજનો દ્વારા પૂજન કરવામાં આવે છે. અમુક પાળિયા અપૂજ પણ હોય છે. ઘણા પરિવારો પોતાના પૂર્વજોના પાળિયાથી અજાણ હોય છે તો, તેવા પાળિયાનું પૂજન થતું નથી. પણ જે પાળિયા પર સિંદૂર જોવા મળે તેવા દરેક પાળિયા કોઈક દ્વારા પુજાઈ રહ્યા છે તેવું જાણી શકાય છે.
આ પણ વાંચો…કેનેડામાં દિવાળીની ઉજવણી રદ્દ થતાં ભારતીય સમુદાય નારાજઃ રાજકીય પક્ષોનું ઓરમાયું વર્તન