પ્રજાસત્તાક દિવસ પર કાગળ કાપીને બનાવેલું ખાસ ગૂગલ ડૂડલ, જાણો કોણ છે અમદાવાદનો કલાકાર ?
આજે ભારત 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. ત્યારે આ અવસર પર ગૂગલે ખાસ ડૂડલ બનાવીને દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓનો સંદેશ આપ્યો છે. અમદાવાદ, ગુજરાતના મહેમાન કલાકાર ‘પાર્થ કોઠેકર’ દ્વારા પ્રજાસત્તાક દિવસનું ડૂડલ બનાવવામાં આવ્યું છે. આ ડૂડલની ખાસ વાત એ છે કે તેને હાથથી કાગળ કાપીને બનાવવામાં આવ્યું છે. જેમાં દેશની રાજધાની દિલ્હીના ડ્યુટી પથ પર યોજાનારી ઝાંખીને દર્શાવવામાં આવી છે.
આ પણ વાંચો : પ્રજાસત્તાક દિવસ પરેડ : મહિલા રાષ્ટ્રપતિ સામે મહિલા સેના જવાનોની પરેડ, દેશની દીકરીઓએ વધાર્યું માન
આજના ખાસ ગૂગલ ડૂડલમાં ગણતંત્ર દિવસની પરેડની ઘણી ઝલક જોવા મળી છે. તેમજ રાષ્ટ્રપતિ ભવન, ઈન્ડિયા ગેટ, CRPF માર્ચિંગ ટુકડી અને મોટરસાઈકલ સવારની ટુકડી દર્શાવે છે. ગૂગલે યુટ્યુબ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કાગળ કાપીને આ ડૂડલ તૈયાર કરવામાં આવ્યું છે. તેમજ પાર્થે જણાવ્યું કે તેને આ તૈયાર કરવામાં 4 દિવસનો સમય લાગ્યો હતો.
ગૂગલના ડૂડલમાં ભારતની તસવીર જોવા મળી હતી
ગણતંત્ર દિવસ પર બનાવેલા ખાસ ડૂડલમાં ગૂગલે ભારતની સુંદર તસવીર દર્શાવી છે. આ પેપર આર્ટમાં ઘોડેસવાર, માર્ચિંગ CRPF, ભારતના રાષ્ટ્રીય પક્ષી-મોર પણ દેખાય છે. ગૂગલે 74મા ગણતંત્ર દિવસના અવસર પર ડૂડલ દ્વારા ભારતની સંસ્કૃતિ અને પરંપરાને બતાવવાનો પ્રયાસ કર્યો છે.
પ્રજાસત્તાક દિને સન્માન કર્યું
વર્ષ 1950માં આ દિવસે ભારતે બંધારણ અપનાવ્યું હતું. આ સાથે, તેણે પોતાને એક સાર્વભૌમ, લોકશાહી અને પ્રજાસત્તાક રાજ્ય જાહેર કર્યું હતું. ભારતે વર્ષ 1947માં બ્રિટિશ સામ્રાજ્યથી આઝાદી મેળવી ત્યાર બાદ તેણે તેનું બંધારણ ઘડવામાં આવ્યુ હતું. ભારતની બંધારણ સભાને બંધારણના દસ્તાવેજની ચર્ચા, સુધારણા અને મંજૂર કરવામાં અને પછી તેને અપનાવવામાં બે વર્ષ લાગ્યાં અને ભારત સૌથી લાંબુ લેખિત બંધારણ ધરાવતો દેશ બન્યો.
જાણો કોણ છે પાર્થ કોઠેકર
અમદાવાદ, ગુજરાતમાં જન્મેલા પાર્થ કોઠેકર તેમના પેપરકટ આર્ટવર્ક માટે જાણીતા છે. તે કાગળની એક શીટ પર હાથ વડે ઘણી જુદી જુદી ડિઝાઇન બનાવે છે. સૌથી મોટી વાત એ છે કે તે બહુ ભણેલો નથી. એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે તે અભ્યાસમાં સારો નહોતો. તેથી હાઇસ્કૂલ પછી, તેણે એનિમેશન શીખવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
એનિમેશનનો અભ્યાસ વચ્ચે છોડી દીધો
પાર્થ કોઠેકર એક સંસ્થામાંથી એનિમેશનનો અભ્યાસ કરી રહ્યો હતો, પરંતુ તેણે અધવચ્ચે ભણવાનું છોડી દીધું. આ પછી તેણે તેનું સંપૂર્ણ ધ્યાન સ્કેચિંગમાં સમર્પિત કર્યું અને આ કળામાં નિપુણતા મેળવી.
આ રીતે મેળવી ઓળખ
શરૂઆતમાં પાર્થ આ આર્ટવર્કને શોખ તરીકે કરતો હતો, પરંતુ ધીમે ધીમે તેને પોતાનો વ્યવસાય બનાવી લીધો. પાર્થના જણાવ્યા અનુસાર, તેણે સૌપ્રથમ અમદાવાદમાં કનોરિયા કોર્નર ખાતે એક પ્રદર્શનનું આયોજન કર્યું અને લોકોને તેનું કામ બતાવ્યું. લોકોને તેમનું કામ ગમ્યું. આનાથી તેમને દેશ-વિદેશમાં ઓળખ મળી અને તેઓ હેન્ડ પેપર કટ આર્ટિસ્ટ તરીકે ઓળખાયા.