અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

MORNING NEWS CAPSULEમાં વાંચો અમદાવાદમાં શહીદ જવાનની નીકળશે અંતિમયાત્રા, બનાસકાંઠામાં ભૂકંપનો આંચકો, જાણો શું પ્રગ્નેશ પટેલને મળશે જામીન?

25 વર્ષીય જવાન મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા શહીદ
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં અમદાવાદનો જવાન શહીદ થયો છે. જેમાં 25 વર્ષીય જવાન મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા શહીદ થયા છે. જવાન મહિપાલસિંહ વાળા મૂળ સુરેન્દ્રનગરના વતની હતા. આજે વિરાટનગરમાં શહીદ જવાનની શહીદ યાત્રા નીકળશે.મહત્વનું છે કે,જવાન 34 રાષ્ટ્રીય રાયફલમાં ફરજ બજાવતા હતા. જમ્મુ કાશ્મીરના કુલગામમાં અથડામણ થઈ હતી. જેમાં આતંકી હુમલામાં કુલ 3 જવાન શહિદ થયા છે. મહિપાલસિંહ વાળાનો નશ્વર દેહ આજે બપોરે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાશે. ઓઢવના વિરાટનગરની સદાશિવ સોસાયટી ખાતે આવેલા તેમના ઘરેથી અંતિમ યાત્રા લીલાનગર સ્મશાનગૃહ સુધી જશે. મહિપાલસિંહ વાળા છેલ્લાં આઠ વર્ષથી ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા હતા. તેમના લગ્ન એક વર્ષ પહેલાં જ થયાં હતાં અને તેમનાં પત્ની ગર્ભવતી હોવાથી ડોક્ટરે તેમને ડિલિવરી માટે 14 ઓગસ્ટની તારીખ આપી હતી.

  

ગુજરાતનાં 87 રેલવે સ્ટેશનના રિડેવલોપમેન્ટનું ભૂમિપૂજન
અમદાવાદ ડિવિઝનનાં 09 સહિત ગુજરાતનાં 87 રેલવે સ્ટેશનના રિડેવલોપમેન્ટનું વડાપ્રધાન મોદીના હસ્તે આજે ભૂમિપૂજન થશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશનાં 1309 જેટલાં રેલવે સ્ટેશનને આધુનિક સુવિધા સાથે રિડેવલપ કરાઈ રહ્યાં છે. જેના અંતર્ગત ગુજરાતમાં કુલ 120 જેટલાં રેલવે સ્ટેશનનું રિડેવલોપમેન્ટ થશે. અમદાવાદ રેલવે ડિવિઝનનાં 16 જેટલાં રેલવે સ્ટેશનનું રિડેવલોપમેન્ટ થશે. જેમાંથી 9 જેટલાં રેલવે સ્ટેશનનું આજે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરશે. આ તમામ રેલવે સ્ટેશનમાં જરૂરિયાત મુજબની તમામ બાબતોનો સમાવેશ કરાયો છે. જેમાં સુધારેલું લાઇટિંગ, પરિસર, પાર્કિંગની જગ્યા, વિકલાંગ મૈત્રીપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને ઈકો-ફ્રેન્ડલી ઈમારતોનો સમાવેશ થાય છે.

બનાસકાંઠામાં ભૂકંપનો આંચકો અનુભવાયો
ગુજરાતના કચ્છ અને બનાસકાંઠામાં અવારનવાર ભૂકંપનાં આંચકા અનુભવાતા હોય છે, ત્યારે આજે ફરી બનાસકાંઠાની ધરતી ધ્રુજી ઉઠતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે અનુભવાયેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6ની નોંધાઈ છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદૂ રાજસ્થાનના ઝાલોર નજીક નોંધાયું છે. હાલમાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે આર્થિક નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ વારંવાર આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં સાર્વત્રિક સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. મહત્વનું કે, દરિયા કિનારાના વિસ્તારમાં વધુ વરસાદની શક્યતા છે. તો આ તરફ અમદાવાદમાં પણ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે ત્યારે આ વરસાદ આફત બનશે કે રાહત તે જોવું રહ્યું.

જીવિત મહિલાનો મરણનો દાખલો ઘરે આવ્યો
કરજણના હાંડોદ ગામે જીવિત વૃદ્ધાનો મરણનો દાખલો ઘરે આવતા પરિવારજનો આશ્ચર્યચકિત થઈ ગયા. વડોદરા કોર્પોરેશન વિભાગમાંથી વૃદ્ધાનો મરણનો દાખલો ઘરે પોસ્ટમાં આવતા તંત્રનો અંધેર વહીવટ સામે આવ્યો. પરિવારજનોને ગ્રામ પંચાયતમાં જઈને હયાતીનો દાખલો લેવાની ફરજ પડી હતી. વડોદરા મહાનગર સેવા સદનની જન્મ-મરણની કચેરીમાં ચાલતા અંધેર વહીવટી તંત્રનો એક કિસ્સો સામે આવ્યો છે. જન્મ-મરણની કચેરી દ્વારા કરજણ તાલુકાના હાંડોદ ગામની વિધવા વૃદ્ધા જીવિત હોવા છતાં, તેઓનો મરણ દાખલો તૈયારી કરી વૃદ્ધા ઘરે પોસ્ટ દ્વારા મોકલી આપ્યો હતો. મરણનો દાખલો જોઇ વૃદ્ધા અને પરિવારજનો ચોંકી ઊઠ્યાં હતાં. મરણનો દાખલો આવતા પરિવારજનોને ગ્રામ પંચાયતમાં પાસે પંચક્યાસ કરાવી હયાતીનો દાખલો લેવાની ફરજ પડી હતી.

પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર બુધવારે ચુકાદો
પ્રજ્ઞેશ પટેલની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. બાદમાં પ્રજ્ઞેશ પટેલે વકીલ મારફત અમદાવાદ જિલ્લા કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને લઈ જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર દલીલો પૂર્ણ થઈ છે. જેને ધ્યાને રાખી આગામી 9 ઓગસ્ટને બુધવારે કોર્ટ ચુકાદો આપશે.મહત્વનું છે કે,સુનાવણી દરમિયાન પ્રજ્ઞેશ પટેલના વકીલ જન ઉનવાલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, દીકરાને લોકો મારતા હોય તો પિતા છોડાવે જ. તો સામે સરકારી વકીલે દલીલ કરતા જણાવ્યું હતું કે, ગાડીની અંદર બેઠેલા તથ્યના મિત્રો સાહેદ, 5 સીટર ગાડીમાં 6 લોકો બેઠા હતા. 60 કિમીની સ્પીડ લિમિટ છે. ત્યાં 140 કિમીની સ્પીડે ગાડી ચલાવી હતી.

Back to top button