સૂર્યમાળાનો એ નાનકડો ગ્રહ, જ્યાં હોઇ શકે છે હીરાનો ખજાનો
- વૈજ્ઞાનિકોએ બુધ ગ્રહના કાર્બનનો અભ્યાસ કર્યો
- બુધ પર કાર્બન માત્ર ગ્રેફાઇટના રૂપમાં હાજર નથી
- ત્યાં હીરાની પુષ્કળ હાજરી હોવી જોઈએ
ચીન, 08 જાન્યુઆરી : ચીનના વૈજ્ઞાનિકોએ અનોખો દાવો કર્યો છે કે સૂર્યમંડળના બુધ ગ્રહ પર મોટી સંખ્યામાં હીરા હશે. આ ખજાનાથી દુનિયાનો દરેક વ્યક્તિ અમીર બની શકશે . પૃથ્વી પર ખજાનો શોધવા માટે લોકો શું- શું નથી કરતાં. પરંતુ પૃથ્વીની બહાર પણ ઘણી બધી જગ્યાઓ છે જે ખજાનાથી ભરી પડી છે, ક્યાંક સોનાનો ભંડાર છે તો ક્યાંક હીરાની ભરમાર છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોને પૃથ્વીની નજીક હીરાનો એવો ખજાનો મળ્યો છે જે પૃથ્વી પરના દરેક વ્યક્તિને અબજોપતિ બનાવી શકે છે. ચીનના વૈજ્ઞાનિકોએ તેમના અભ્યાસમાં દાવો કર્યો છે કે બુધ ગ્રહ પર હીરાનો ખજાનો હોઈ શકે છે. તેની સાથે જ તેઓએ એ પણ શોધી કાઢ્યું છે કે આ ગ્રહ આટલો અંધકારમય કેમ દેખાય છે.
દક્ષિણ ચીનના ઝુહાઈમાં સન યાટ-સેન યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે બુધ ગ્રહએ અસામાન્ય રીતે કાળો દેખાય છે, તેની પાછળનું રહસ્ય કોઈ તેજસ્વી વસ્તુ હોવી જોઈએ. વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવામાં આવ્યું છે કે, ગ્રેફાઇટના કારણે બુધ ગ્રહ ઘાટા રંગનો દેખાય છે. તેમજ ત્યાં ગ્રેફાઇટનું પ્રમાણ અગાઉના અંદાજ કરતાં ઓછું હોઈ શકે છે સાથે જ અહીં હીરા અને અન્ય કાર્બનનું પ્રમાણ વધુ હોવાની શક્યતા છે.
આ ઉપરાંત, સંશોધકો કહ્યું કે જો અગાઉની ગણતરીઓ સાચી હોત, તો ઘણા હીરા અને અન્ય પ્રકારની કાર્બન સામગ્રી સપાટી પર જોવા મળી હોત, જ્યારે અહી આવું નથી. નાસાના મેસેન્જર અવકાશયાનના 2011 થી 2015 સુધીના બુધના ડેટાનો સંશોધનકારોએ તેમના અભ્યાસમાં ઉપયોગ કર્યો હતો.
બુધ એ સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ છે, જે ચંદ્ર કરતાં થોડોક જ મોટો છે. આ ખડકાળ ગ્રહ પૃથ્વીથી 7.7 કરોડ કિલોમીટરના અંતરે છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે ત્યાં પહોંચવાનું તો મુશ્કેલ છે જ, સાથે જ અહી જીવનની પણ કોઈ શક્યતા નથી. આગળ થયેલા અભ્યાસો મુજબ કાર્બન બુધની સપાટીની ખૂબ નીચે હોવો જોઈએ. પરંતુ નવો અભ્યાસ કહે છે કે આ સંપૂર્ણ કાર્બન ગ્રેફાઇટ હોય શકે નહીં.
ગ્રેફાઇટનો ઉપયોગ પેન્સિલ લીડમાં થાય છે જે કાર્બનનું સૌથી સ્થિર સ્વરૂપ છે. પરંતુ ખૂબ ઊંચા તાપમાને અથવા 3 હજાર ડિગ્રી સેલ્સિયસથી નીચા તાપમાને તે હીરામાં ફેરવાઈ જાય છે. 4 અબજ વર્ષ પહેલાંથી જ બુધમાં કાર્બનમાંથી હીરા બનવાનું શરૂ થયું હશે. આ વિશે વધુ માહિતી બુધ પર મોકલવામાં આવેલા ભવિષ્યના મિશનમાંથી સેમ્પલ લાવીને મેળવવામાં આવશે.
આ પણ વાંચો : સોનું કેવી રીતે બને છે તેનું રહસ્ય અવકાશમાં અને તારાઓના વિસ્ફોટમાં છુપાયેલું છે