રીટેઈલ ક્ષેત્રમાં જુદા-જુદા લાયસન્સની માથાકૂટ નહીં, હવે ‘સિંગલ રજીસ્ટ્રેશન’થી વેપારીઓને ફાયદો
નવું વર્ષ રીટેઈલ વેપારીઓ માટે આનંદના સમાચાર લાવી રહ્યું છે. વેપાર ઉદ્યોગ માટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ માટે નવી-નવી નીતિ ઘડી રહેલી કેન્દ્ર સરકારે હવે રીટેઇલ વેપાર-વેપારીઓ માટેના કાયદાકીય નિયમો સરળ બનાવવાની દિશામાં કામગીરી શરૂ કરી છે. રીટેઇલ વેપાર માટે રજીસ્ટ્રેશનથી માંડીને લાયસન્સ-ક્લીયરન્સ એક જ સ્થળેથી મળે તે માટે સીંગલ વિન્ડો સિસ્ટમ દાખલ કરાશે. નિયમિત ચકાસણી માટે સેન્ટ્રલાઇઝડ કોમ્પ્યુટરાઇઝડ ઇન્સપેકશન મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરાશે.
ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા નેશનલ રીટેઇલ ટ્રેડ પોલીસીનો મુસદો તૈયાર કરવામાં આવ્યો છે. રીટેઇલ સ્ટોર તથા ઓનર ધ કાઉન્ટર વેચાણ કરતા રીટેઇલરો માટે સીંગલ લાયસન્સની શક્યતા ચકાસવા સુચવવામાં આવ્યું છે. રીટેઇલ ક્ષેત્રને પણ ઇઝ ઓફ ડુઇંગનો લાભ આપવાનો ઉદ્દેશ છે. આ નીતિ વિચારણા હેઠળ છે અને સંબંધિત વર્ગો પાસેથી સૂચનો માગવામાં આવી રહ્યા છે.
રીટેઇલ ક્ષેત્રના વેપારીઓ માટે અકસ્માત વિમા યોજનાની પણ જોગવાઈ કરવામાં આવી છે જેનાથી તેઓને કોઇ અણધારી આફતમાંથી રક્ષણ મળી શકશે. આ માટે જીલ્લા, રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે ટ્રેડર્સ વેલફેર બોર્ડની રચના કરવામાં આવશે. ઇ-કોમર્સ, ડાયરેક્ટ સેલીંગ મલ્ટીલેવલ માર્કેટીંગ કે શેરી ફેરીયાઓને તેમાં સામેલ કરવામાં આવ્યા નથી. માત્ર દેશભરના રીટેઇલ વેપારીઓને રાષ્ટ્રીય સ્તરે કોમન ફ્રેમવર્ક ઉભી કરવાનો તથા તેના આધારે વિકાસનો નવો માર્ગ ખોલવાનો હેતુ છે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે 2019થી 2030થી રીટેઇલ ક્ષેત્રનો વિકાસ દર 9 ટકાથી વધુ રહેવાનો અંદાજ છે. દેશના જીડીપીમાં રીટેઇલ ક્ષેત્રનો હિસ્સો 10 ટકા છે અને અંદાજીત 10 ટકા રોજગારી પુરી પાડે છે. રીટેઇલ ક્ષેત્રે વિશ્વસ્તરે ભારતનું પાંચમું સ્થાન છે.
સૂચિત નીતિના મુસદ્દા અંતર્ગત રીટેલ ક્ષેત્રમાં અનેકવિધ લાયસન્સને બદલે માત્ર સીંગલ રજિસ્ટ્રેશન જ રહેશે એટલું જ નહીં. કોઇપણ એક રાજ્યનું લાયસન્સ સમગ્ર દેશમાં સ્વીકૃત રહેશે. હોલસેલ વેપારીઓને ઔદ્યોગિક વિસ્તાર જેવી સિસ્ટમનો લાભ અપાશે.
વિભાગ દ્વારા વેપાર લાયસન્સ, ગ્રાહક સુરક્ષા કાયદા, ડ્રગ્ઝ એન્ડ કોસ્મેટીક્સ એક્ટ સહિત જુદા-જુદા આઠ કાયદાની સમીક્ષા કરવામાં આવી હતી. નિયમોની ઝંઝટ દુર કરવા તથા નાનકડી ટેકનીકલ પ્રક્રિયાની ભૂલોને ફોજદારી ગુનામાંથી મુક્તિ આપવા પણ સુચવ્યું છે. આ ઉપરાંત રીટેઇલ વેપારીઓને સરળતાથી અને ઝડપી ધિરાણ આપવા પણ સુચવાયું છે. સ્ટોકની સામે ધિરાણ માટે બેંકોને પ્રોત્સાહિત કરવાનું સુચન છે.