અમદાવાદમાં હથિયારો વેચવાના કૌભાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો
- પોલીસે મધ્યપ્રદેશના ખરગોન ખાતે મુખ્ય સૂત્રધારને દબોચી લીધો
- અગાઉ પકડાયેલા આરોપીને હથિયારો વેચ્યા હોવાની પોલીસ સમક્ષ કબૂલાત
- એક દેશી પિસ્તોલ અને 3 જીવતા કારતૂસ સાથે ઝડપાયો હતો
અમદાવાદમાં હથિયારો વેચવાના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં MPથી હથિયાર લાવી અમદાવાદમાં વેચવાના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે. જન્માષ્ટમીએ વાસણાથી યુવકની ધરપકડ બાદ હથિયાર કૌભાંડનો પર્દાફાશ થયો છે. આરોપીએ કાજલીપુરથી હથિયાર ખરીદી નવ હથિયાર વટવાના યુવકને વેચ્યા હતા. તેમજ મુખ્ય સૂત્રધારને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ હાથ ધરી છે.
પોલીસે મધ્યપ્રદેશના ખરગોન ખાતે મુખ્ય સૂત્રધારને દબોચી લીધો
વાસણામાં જન્માષ્ટમીના દિવસે પકડાયેલા હથિયાર કૌભાંડમાં પોલીસે મધ્યપ્રદેશના ખરગોન ખાતે મુખ્ય સૂત્રધારને દબોચી લીધો છે. આટલું જ નહીં, આરોપી અગાઉ ચાર વખત અમદાવાદ આવીને અગાઉ પકડાયેલા આરોપીને હથિયારો વેચ્યા હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. આથી પોલીસે મુખ્ય સૂત્રધરને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલા આરોપી પૈકી ફરાન જમાલપુર ખાતે મ્યુનિ.ના પાર્કિંગનો કોન્ટ્રાક્ટ ધરાવે છે અને તેની સાથે જ સમીર તેના ત્યાં નોકરી કરતો હતો. આમ બંને પરિચિત હોવાથી બંનેએ સાથે મળીને હથિયાર વેચવાનો વેપલો શરૂ કર્યો હતો.\
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આવતી કાલથી શરૂ થશે, જાણો કેવી હશે પેપરલેસ સેવાઓ
એક દેશી પિસ્તોલ અને 3 જીવતા કારતૂસ સાથે ઝડપાયો હતો
વાસણામાં વિશાલા હોટેલ પાસે એક શખ્સ હથિયાર સાથે ઊભો છે તેવી બાતમી પોલીસ કંટ્રોલરૂમને મળી હતી. આથી વાસણા પોલીસે ત્યાં પહોંચતા વટવામાં રહેતો શાહનવાઝ શેખ એક દેશી પિસ્તોલ અને 3 જીવતા કારતૂસ સાથે ઝડપાયો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા સામે આવ્યું કે, વટવામાં રહેતા સમીર પઠાણ પાસેથી પિસ્તોલ ખરીદી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં પોલીસે અલગ અલગ ટીમ બનાવીને વટવામાં રેડ કરીને આરોપી સમીરને ઝડપી પાડયો હતો. સમીરે કબૂલ્યું છે કે, મધ્યપ્રદેશનો આફતાબ અમદાવાદ ખાતે આવીને 9 જેટલા હથિયારો આપી ગયો હતો.