આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. શ્રાવણ મહિનામાં અનોખો શિવ મહિમા જોવા મળે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને જૂનાગઢમાં શ્રાવણ મહિનામાં શિવત્વના દર્શન દરેક શિવાલયમાં થાય છે. જૂનાગઢમાં ગીરનારની તળેટી પાસે આવેલા જટાશંકર મહાદેવનું મંદિર પ્રકૃતિના સાંનિધ્યમાં આવેલું છે જ્યાં શ્રાવણ મહિનામાં અનેક શિવભક્તો દર્શન હેતું આવે છે. ભારતના યુગ પુરુષ સ્વામી વિવેકાનંદે પણ જટાશંકર મહાદેવના સાનિધ્યમાં ધ્યાન અને અનુષ્ઠાન કરવા માટે આવ્યા હોવાના ધાર્મિક પુરાવાઓ છે. જેને કારણે પણ જટાશંકર મહાદેવને ધર્મગ્રંથોમાં ગંગેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ચોમાસામાં ગીરનારની લીલી કંદરાઓ પ્રવાહી થઈ ગુપ્તગંગાના સ્વરૂપમાં કરે છે અભિષેક
જૂનાગઢમાં આવેલા ગીરનારની ગોદમાં બિરાજતા જટાશંકર મહાદેવ શ્રાવણ માસમાં શિવ ભક્તો માટે અનેરુ મહત્વ ધરાવે છે. ગીરનાર જંગલોની વચ્ચે સ્વયંભૂ જટાશંકર મહાદેવના દર્શન કરવા શિવ ભક્તો પગપાળા આવે છે. ચોમાસા દરમિયાન ગીરનારની લીલી કંદરાઓ પ્રવાહી થઈ ગુપ્તગંગાના સ્વરૂપમાં જટાશંકર મહાદેવ પર અભિષેક કરે છે. ગીરનારની ગોદમાં અને પ્રકૃતિના ખોળામાં બિરાજતા જટાશંકર મહાદેવનું સ્થાનક હિમાલય કરતા પણ પૌરાણિક માનવામાં આવે છે. આદિઅનાદિ કાળથી ગીરનારની ગોદમાં બીરાજતા જટાશંકર મહાદેવના દર્શન કરીને શિવભક્તો શ્રાવણ મહિનામાં ધન્યતા અનુભવે છે.
ગીરનારના ગુપ્ત દ્વાર તરીકે મનાઈ છે જટાશંકર
આ મંદિરને ગીરનારના ગુપ્ત દ્વાર તરીકે મનાય છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દેવાધીદેવ મહાદેવની પૂજા પ્રત્યેક શિવ ભક્ત પોતાની શક્તિ અને ભક્તિ મુજબ શિવપૂજન કરતો જોવા મળે છે. શ્રાવણ માસ દરમિયાન થતી પૂજાને વિશેષ ફળદાય માનવામાં આવે છે. પ્રાચીન માન્યતા મુજબ ગીરનાર પર્વતમાં ચાર ગુપ્ત પ્રવેશદારો હતા. જે પૈકીનું પ્રવેશદ્વાર એટલે જટાશંકર મહાદેવ. ધાર્મિક ગ્રંથોમાં થયેલા ઉલ્લેખ મુજબ ગુપ્ત ગીરનારનું પ્રવેશદ્વાર તરીકે ઉલ્લેખ કરાયો છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ગીરનારના ગાઢ જંગલોની વચ્ચેથી પગપાળા શિવ ભક્તો પસાર થાય છે. જંગલોની વચ્ચે બીરાજતા શંકર મહાદેવના દર્શન કરીને ભાવવિભોર બને છે.
શ્રાવણ માસમાં થાય છે ત્રણેય પહોરની આરતી, આખું વર્ષ ગુપ્ત ગંગાનો થાય છે અભિષેક
સમગ્ર શ્રાવણ માસ દરમિયાન જટાશંકર મહાદેવની ત્રણેય પહોરની આરતી કરવામાં આવે છે. આ સમયે મંદિરનું વાતાવરણ આહલાદકની સાથે ભક્તિમય પણ બની જાય છે. પ્રાચીન ધાર્મિક માન્યતા મુજબ ગીરનાર પર્વત પર બીરાજતા અંબાજીના જમણા અંગૂઠામાંથી સુવર્ણ રેખા નદીનું એક ઝરણું પ્રવાહી થાય છે. જે ગૌમુખી ગંગા પરથી જટાશંકર મહાદેવના ચરણોમાં અભિષેક કરવા માટે આજે પણ આવે છે. જેથી સમગ્ર વર્ષ દરમિયાન જટાશંકર મહાદેવ પર ગુપ્તગંગા નો સતત જળાભીષેક થતો પણ જોવા મળે છે. જટાશંકર મહાદેવનો ઉલ્લેખ અનેક હિંદુ ધર્મ ગ્રંથોમાં પણ જોવા મળે છે. જેના પરથી માનવામાં આવે છે કે જટાશંકર મહાદેવનું શિવલિંગ હિમાલય કરતા પણ પૌરાણિક છે. તેને કારણે તેનું ધાર્મિક મહાત્મ્ય ખૂબ જ વધી જાય છે. સમગ્ર શ્રાવણ માસ અને શિવરાત્રીના દિવસોમાં અહીં મહાદેવની રુદ્રી અને શિવ ચાલીસાના પાઠ ભક્તો કરે છે. જેને લઈને સમગ્ર ગીરનારનું વાતાવરણ શિવમય બનતું જોવા મળે છે.