ચેસની દુનિયાની કલંક સમાન ઘટનાઃ હરીફ ખેલાડીને કર્યો ઝેર આપવાનો પ્રયાસ! જૂઓ વીડિયો
મોસ્કો, 10 ઓગસ્ટ, 2024: રશિયામાં એક અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના બની છે, અને એ પણ રમતગમતના ક્ષેત્રમાં. સામાન્ય રીતે રમતનું ક્ષેત્ર સ્પોર્ટ્સમેન સ્પિરિટવાળું ગણાય છે. આ ક્ષેત્રમાં અત્યાર સુધી માત્ર હરિફાઈ જોવા મળે છે, દુશ્મનાવટ નહીં. પરંતુ રશિયામાં ચેસની સ્પર્ધા પહેલાં જે ઘટના બની છે તેનાથી આ ક્ષેત્રમાં પણ તકેદારીનાં પગલાં લેવાનું અનિવાર્ય બની જશે એવું લાગે છે.
અહેવાલો મુજબ, રશિયાની એક ચેસ ચેમ્પિયને તેના હરીફની ઘાતક પારા (મર્ક્યુરી) વડે ઝેર આપવાનો પ્રયાસ કર્યો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મહિલા રશિયન ખેલાડીની આ ગુનાઈત કરતૂત બદલ અટકાયત કરવામાં આવી રહી છે અને તપાસ ચાલુ છે. ચેસ ખેલાડી એમીના અબાકારોવાને કસ્ટડીમાં લેવામાં આવી હતી અને જો તે દોષિત સાબિત થાય તો તેને ઓછામાં ઓછી ત્રણ વર્ષની જેલ થઈ શકે છે. રશિયન ચેસ ફેડરેશન (RCF) એ 40 વર્ષીય ચેસ ચેમ્પિયનને સસ્પેન્ડ કરી દીધી છે કારણ કે CCTV વીડિયોમાં તેને ઇવેન્ટના સ્થાન દક્ષિણ રશિયાના મખાચકલામાં પ્રવેશ કરતી જોઈ શકાય છે. તેને ચેસબોર્ડની નજીક જતી જોઈ શકાય છે જ્યાં હરીફ ખેલાડી ઉમાયગનાત ઓસ્માનોવા 20 મિનિટમાં પહોંચવાની હતી.
ટેલિગ્રામ ચેનલ જેણે માહિતીને સૌ પ્રથમ બ્રેક કરી હતી તેણે જણાવ્યું હતું કે આ ઘટના 2 ઓગસ્ટના રોજ દાગેસ્તાન ચેસ ચેમ્પિયનશિપ દરમિયાન બની હતી. વિડિયોમાં અબાકારોવા શંકાસ્પદ રીતે ચેસ બોર્ડથી ભરેલા રૂમમાં ફરતી જોવા મળે છે અને આજુબાજુ નજર કરતી હોય તેવું સ્પષ્ટ થાય છે. એ દ્વારા તે એવી ખાતરી કરતી હોવાનું સ્પષ્ટ થાય છે કે ત્યાં બીજું કોઈ નથી. તે પછી તે તેના પ્રતિસ્પર્ધીના ટેબલ પર જાય છે, તેના પર્સમાંથી બોટલ બહાર કાઢે છે અને તેમાંથી કોઈ સામગ્રી હરીફ ખેલાડીની જગ્યાએ રેડે છે.
જૂઓ વીડિયો…
View this post on Instagram
Chess.com મુજબ તેણીએ થર્મોમીટરમાંથી પારો ત્યાં ફેલાવી દીધો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જણાવે છે કે પારો ભલે ગમે તેટલી માત્રામાં ઓછો હોય તો પણ વ્યક્તિના સ્વાસ્થ્ય પર હાનિકારક અસર કરી શકે છે.
અબાકારોવાએ શંકાસ્પદ પદાર્થનો છંટકાવ કર્યાની 30 મિનિટ પછી ઓસ્માનોવાએ તેને ઉબકા અને ચક્કર આવતા હોવાની ફરિયાદ કરી. તેની સારવાર અને તપાસ બાદ ડૉક્ટરો એ નિર્ણય પર આવ્યા કે મોટે ભાગે ઝેરની અસરને કારણે ઓસ્માનોવા બીમાર થઈ હતી. ત્યારબાદ આર્બિટ્રેટરે સીસીટીવીની તપાસ કરી અને પોલીસને તેની જાણ કરી; પરિણામે અબાકારોવાને કસ્ટડીમાં લેવામાં આવી હતી.
આ પણ વાંચોઃ સ્વબચાવ માટે દરરોજ પ્રેક્ટિસ કરો, સજ્જ થાવઃ કંગના રાણવતે શા માટે આવું કહ્યું?