ભારત માટે આંચકો? માલદીવની સંસદીય ચૂંટણીમાં ચીન સમર્થિત પ્રમુખ મુઇઝઝૂની જંગી જીત
- સંસદીય ચૂંટણીમાં પ્રમુખ મુઇઝ્ઝુની પીપલ્સ નેશનલ કોંગ્રેેસે લગભગ બે તૃતીયાંશ બહુમતી સાથે પ્રચંડ જીત મેળવી
માલે(માલદીવ), 22 એપ્રિલ: માલદીવમાં રવિવારે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ચીન તરફી પ્રમુખ મોહમ્મદ મુઇઝ્ઝુની પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC)એ લગભગ બે તૃતીયાંશ બહુમતી સાથે પ્રચંડ જીત મેળવી છે. જે ભારત અને માલદીવના સંબંધો પર અસર કરી શકે છે. ચૂંટણી પરિણામો અનુસાર, 93 સભ્યોના ગૃહ માટે યોજાયેલી ચૂંટણીમાંથી 86 બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મુઇઝ્ઝુની પાર્ટીને 66 સીટો મળી છે જ્યારે 6 સીટો અપક્ષના ફાળે ગઈ છે. બાકીની 7 બેઠકોના પરિણામ હજુ જાહેર થયા નથી. મુઇઝ્ઝુની PNC પાસે પહેલાથી જ 47 બેઠકોની બહુમતી કરતાં 19 બેઠકો વધુ હતી.
Mohamed Muizzu’s People’s National Congress won 66 of the first 86 seats declared. pic.twitter.com/Cl5UtRiAlw
— BRISL (@BRI_SL) April 22, 2024
અત્યાર સુધી સોલિહની વિપક્ષી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) પાસે 44 સાંસદો સાથે સંસદમાં બહુમતી હતી. સંસદમાં બહુમત ન હોવાના કારણે મુઇઝ્ઝુને નવા કાયદા બનાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આવી સ્થિતિમાં તેમના માટે આ ચૂંટણી જીતવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની ગઈ હતી.
શું ભારત માટે આ આંચકો?
મુઇઝ્ઝુની પાર્ટીની ધરખમ જીત એ ભારત માટે પણ એક ફટકો છે, જેનો અર્થ એ છે કે ત્યાંના લોકો અન્ય પ્રાદેશિક શક્તિ ભારતને બદલે ચીન તરફના પ્રમુખના રાજકીય ઝુકાવને સમર્થન આપી રહ્યા છે. પ્રમુખ મુઇઝ્ઝુને ગયા સપ્ટેમ્બરમાં પૂર્વ મુઇઝ્ઝુ અબ્દુલ્લા યામીનના પ્રોક્સી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેમની ચૂંટણી દરમિયાન તેમણે દેશની ‘ઈન્ડિયા ફર્સ્ટ’ નીતિને ખતમ કરવાનું વચન આપ્યું હતું.
ભારતને માલદીવના મુખ્ય વિપક્ષ અને ભારત તરફી પક્ષ એવા માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) – બહુમતીથી જીતશે તેવી અપેક્ષા હતી. જો આવું થયું હોત તો તે પક્ષ કારોબારી સત્તા પર અસરકારક કાયદાકીય દેખરેખ રાખી શકે તેમ હતું. માલદીવના બંધારણ હેઠળ, સંસદના તમામ નિર્ણયો અને સરકાર દ્વારા પ્રસ્તાવિત બિલો સંસદીય બહુમતીથી પસાર થવા જોઈએ. હવે જ્યારે મુઇઝ્ઝુની પાર્ટીને બહુમતી મળી ગઈ છે, તો તે પોતાની રીતે દેશની નીતિઓ અને કાયદાઓ બનાવી શકે છે, કારણ કે તેને સંસદમાં પાસ કરાવવામાં સરળતા રહેશે.
સંસદીય અને પ્રમુખની ચૂંટણી વચ્ચે તફાવત
ઉલ્લેખનીય છે કે, માલદીવમાં પ્રમુખની ચૂંટણી સીધી જનતાના મત દ્વારા નક્કી કરવામાં આવે છે અને પ્રમુખનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. ગયા વર્ષે, મુઇઝ્ઝુએ પ્રમુખની ચૂંટણીમાં તેમના વિરોધી મોહમ્મદ સોલિહને હરાવ્યા હતા. રવિવારે જે મતદાન થયું તે મજલિસ એટલે કે સંસદ માટે હતું, જેના દ્વારા લોકો પાંચ વર્ષ માટે સાંસદોની પસંદગી કરે છે. સંસદમાં બહુમતી ધરાવતા પક્ષ માટે નવા કાયદા બનાવવાનું સરળ છે.
યામીનને ગયા અઠવાડિયે મુક્ત કરવામાં આવ્યો હતો
અન્ય એક ચીન તરફી નેતા, અબ્દુલ્લા યામીનને ગયા અઠવાડિયે કોર્ટે ભ્રષ્ટાચારના આરોપમાં તેમની 11 વર્ષની સજા રદ્દ કર્યા પછી મુક્ત કરવામાં આવ્યા હતા. માલેમાં પોતાનો મત આપ્યા બાદ, પ્રમુખ મુઇઝ્ઝુએ કહ્યું હતું કે, “બધા નાગરિકોએ શક્ય તેટલી વહેલી તકે બહાર આવવું જોઈએ અને તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ.”
રવિવારના મતદાનની મુઇઝ્ઝુના પ્રમુખપદને અસર થશે નહીં. દરમિયાન, મુખ્ય વિરોધ પક્ષ, માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDPએ જંગી હારનો સામનો કરવો પડ્યો હતો અને તેમને માત્ર એક ડઝન સીટો જ મળી હતી.
આ પણ જુઓ: ટ્રાવેલ ટિપ્સઃ આ દેશોમાં ફરવા જાવ ત્યારે ન કરતા આવી કોઈ ભૂલ