રાજકોટ-મોરબી હાઈવે પાસે સર્જાયો ગંભીર અકસ્માત, 2 કાર સામસામે અથડાતા 2 લોકો ઈજાગ્રસ્ત
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. એકની ભૂલના કારણે કેટલાક નિર્દોષ લોકોને જીવ ગુમાવો પડતો હોય છે. ત્યારે આવી જ એક અકસ્માતની ઘટના રાજકોટ – મોરબી હાઈવે પરથી સામે આવી છે. જેમાં બે કાર સામ સામે ટકરાતા ગંભીર અકસ્માતો સર્જાયો હતો. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારા પાસે અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર,રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારા પાસે બે કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટ તરફથી આવતી ક્રેટા કાર રોંગ સાઈડમાં ઘુસીને સામેથી આવતી વેગનઆર કાર સાથે અથડાઈ હતી. અકસ્માત સર્જાતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે વેગનઆર કાર ચાલકને માથા અને પગના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યાં બીજી તરફ ક્રેટા કારના ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી. જેથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
CCTVમા કેદ થયો અકસ્માત
આસપાસના લોકો દ્વારા અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જેથી સૌ પ્રથમ પોલીસની ટીમ દ્વારા ટ્રાફિકજામ દૂર કર્યા બાદ અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. બીજી તરફ જે જગ્યાએ અકસ્માત સર્જાયો હતો. ત્યાં પાસમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં આ અકસ્માત કેદ થયો હતો. જેમાં જોઈ શકાય છે કે, કાર રોંગ સાઈડમાં બે ટાયર પર આવી રહી છે અને ધડાકાભેર વેગનઆર કાર સાથે અથડાય છે. અકસ્માતમાં વેગનઆરના બોનેટને મોટું નુકસાન થાય છે અને પછી ક્રેટા પર પલટીને પડી જાય છે.
આ પણ વાંચો : ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં ખુલાસો: જેની કાર લઈને નિકળ્યો હતો તથ્ય તેનો પણ છે ગુનાહિત ઇતિહાસ, CBI કરી રહી છે તપાસ