કેન્સર જાગૃતિ માટે શ્રી ખોડલધામ મહિલા સમિતિ રાજકોટ દ્વારા સેમિનાર યોજાયો


રાજકોટ, 09 ફેબ્રુઆરી : શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કામ કરતી શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો અને વિવિધ કાર્યક્રમોનું સમયાંતરે આયોજન કરવામાં આવતું હોય છે. એ અનુસંધાને ગઈકાલે તારીખ 8 ફેબ્રુઆરીને ગુરુવારે રાજકોટ શહેરમાં શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ શહેર દ્વારા કેન્સર જાગૃતિ અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ શહેર અને કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન (ડિવીઝન ઓફ રાજકોટ કેન્સર સોસાયટી શ્રી નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ, રાજકોટ) દ્વારા રાજકોટ શહેરના સરદાર પટેલ ભવન ખાતે કેન્સર જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારમાં નિષ્ણાતો દ્વારા સ્તન કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર, મોઢાનું કેન્સર, ફેફસાનું કેન્સર અને કિડની જાગૃતિ અંગેની માહિતી આપવામાં આવી હતી. સાથે જ ફ્રી હિમોગ્લોબીન, બીપી અને સુગર નિદાન પણ કરી આપવામાં આવ્યું હતું. આ કાર્યમાં બી.ટી.સવાણી હોસ્પિટલ- રાજકોટનો પણ સહયોગ મળ્યો હતો.
આ સેમિનારમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહીને કેન્સર અંગેની માહિતી મેળવી હતી. આ સેમિનારને સફળ બનાવવા શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ શહેરની બહેનોએ ભારે મહેનત કરી હતી.
આ પણ વાંચો : જામનગર, મોરબી, પાટણ સહિત રાજ્યમાં અનેકને 10 ફેબ્રુઆરીએ મળશે PM આવાસ યોજના હેઠળ ઘર