વીજબિલ GST કચેરીમાં રજૂ કરી 21 બનાવટી પેઢી થકી 200 કરોડનું કૌભાંડ આચરાયું
સરકાર પાસેથી ખોટી રીતે ટેક્સ ક્રેડિટ મેળવી શકાય તે માટે વીજ કંપનીના લાઇટબિલ GST કચેરીમાં રજૂ કરી સુરત, અમદાવાદ, મોરબી, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢમાં કુલ 21 બનાવટી પેઢીમાં 200 કરોડના ટ્રાન્જેક્શનનો પર્દાફાશ સુરત આર્થિક ગુના નિવારણ શાખાએ કર્યો હતો. સુરત પોલીસે રાજ્ય વ્યાપી દરોડા પાડી આ બનાવટી પેઢી સાથે સંકળાયેલાં 12ને દબોચી લેતાં ભાગદોડ વ્યાપી ગઇ હતી.
કઈ કઈ કંપનીમાં નામ આવ્યા સામે ?
આર્થિક ગુના નિવારણ શાખાની તપાસમાં આ કૌભાંડ બહાર આવ્યું હતું. બહાર આવેલી વિગત પ્રમાણે GST કચેરીમાં ફાઇલીંગ કરવામાં આવેલી એ.બી. એન્ટરપ્રાઇઝ, બારીયા એન્ટર પ્રાઇઝ, ગણેશ એન્ટરપ્રાઇઝ, જયઅંબે, મકવાણા, એમ.ડી. અને એસ.જી. એન્ટરપ્રાઇઝ તથા એમ.ડી. ટ્રેડિંગ સહિત આઠ પેઢીઓ ડમી જણાઇ આવી હતી. આ પેઢીઓ દ્વારા ફેક વેપાર બતાવી સરકાર પાસેથી કરોડોનો ટેક્સ મેળવ્યો હતો. આ પેઢીઓ જ્યાં શરૂ કરવામાં આવી હતી ત્યાં તે મળી આવી ન હતી. એટલું જ નહિ જે લાઇબિલ પુરાવા તરીકે મૂકવામાં આવ્યા હતા તે પણ બનાવટી અને ચેડાં કરીને બનાવવામાં આવ્યા હતા. મુખ્ય વાત હતી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં ચોંટાડવામાં આવેલો ફોટો અને આધાર કાર્ડના ફોટોમાં વિસંગતતા જણાઇ આવતાં મામલો શંકાસ્પદ લાગ્યો હતો.
કૌભાંડીઓ દ્વારા રાજ્યભરમાં નેટવર્ક ઉભું કરાયું
ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવતાં મામલો વધુ મોટો નીકળ્યો હતો. કૌભાંડીઓ દ્વારા રાજ્યભરમાં નેટવર્ક ઉભું કર્યું હતું. સુરત ઉપરાંત મોરબી, અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢમાં કુલ 21 ડમી પેઢીઓ ઉભી કરી બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા અને અંદરો અંદર જ 200 કરોડનો વેપાર બતાવી સરકાર પાસેથી 36 કરોડની ટેક્સ ક્રેડિટ મેળવી છેતરપિંડી કરવામાં આવી હતી.
12 શખસોની કરાઈ ધરપકડ
ક્રાઇમ બ્રાન્ચમાં ગુપ્ત રીતે આ પ્રકરણમાં દીવાળી પહેલાં આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ગુનો નોંધી ગુરૂવાર રાતથી જ આ છ શહેરોમાં રેડ કરવામાં આવી હતી. આર્થિક ગુના નિવારણ શાખા ઉપરાંત, કાઇમ બ્રાન્ચ, સાયબર સેલ અને સ્થાનિક પોલીસની મદદથી 12 ટીમો બનાવવી કરાયેલી રેડ દરમ્યાન આ કૌભાંડ સાથે ઝડપાયેલાં 12 વ્યક્તિઓને ઝડપી લેવાયા હતા.