વાયબ્રન્ટ ગુજરાતને પ્રમોટ કરવા ચેન્નઈમાં થશે રોડ શો
- 2 નવેમ્બરના રોજ ચેન્નઈમાં આયોજિત થશે વાયબ્રન્ટ ગુજરાત રોડ શો
- નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઇ કરશે રોડ શોનું નેતૃત્વ
ગાંધીનગર, 31 ઓક્ટોબર : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ના 10મા સંસ્કરણની તૈયારીઓ હેઠળ દેશ-વિદેશના ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે વાતચીત કરવા અને તેમને જાન્યુઆરી 2024માં આયોજિત થઇ રહેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં આમંત્રિત કરવા માટે રાજ્ય સરકાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર રોડ શોનું આયોજન કરી રહી છે.
નવી દિલ્હીમાં કર્ટેન રેઇઝર કાર્યક્રમ અને ત્યારબાદ મુંબઈ, ચંદીગઢ, અને જાપાનમાં આયોજિત રોડ શોની ભવ્ય સફળતા બાદ ગુજરાત સરકાર હવે 2 નવેમ્બર, 2023ના રોજ ચેન્નઈ ખાતે રોડ શો યોજવા જઇ રહી છે. ગુજરાત સરકારના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ આ રોડ શોનું નેતૃત્વ કરશે.
વાયબ્રન્ટ ગુજરાત સમિટની 20 વર્ષની સફળતા, વડાપ્રધાનના ‘વિકસિત ભારત @2047’ ના વિઝન અને તે વિઝનને સાકાર કરવા માટે ગુજરાતની સજ્જતા અંગે કનુ દેસાઈ દ્વારા જાણકારી આપવમાં આવશે. તેમજ રોડ શોનો ઉદ્દેશ VGGS 2024ના માધ્યમથી ગુજરાતને ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ (ભવિષ્યનું પ્રવેશદ્વાર) તરીકે ઉજાગર કરવાનો છે. તેનાથી બિઝનેસો અને કંપનીઓને સાથે મળીને કામ કરી શકશે. તેમજ નવી એક્સપ્લોર કરવાની તકની સાથે ગુજરાતમાં સ્થિત GIFT સિટી, ધોલેરા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન) અને માંડલ બેચરાજી SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન) જેવા ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્સમાં રોકાણોમાં પણ મદદ મળશે.
CII તમિલનાડુ સ્ટેટ કાઉન્સિલના અધ્યક્ષ અને ABT ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શંકર વનવરયાર દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવશે. આ રોડ શોમાં હાજર રહેલા અગ્રણી ઉદ્યોગપતિઓ ગુજરાત અંગેના તેમના અનુભવોને પણ શેર કરશે. સાથે જ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, GIFT સિટી અને ધોલેરા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન) પર એક ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મનું સ્ક્રિનિંગ પણ કરવામાં આવશે. તેમજ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના કમિશ્નર ઓફ લેન્ડ રેકોર્ડ્સ અને એક્સ ઓફિશિયો સેક્રેટરી સ્વરૂપ પી. (IAS) દ્વારા ગુજરાતમાં રહેલી બિઝનેસની તકો અંગે એક પ્રેઝન્ટેશન આપવામાં આવશે.
આ પણ વાંચો : પેરા એશિયન ગેમ્સના ખેલાડીઓ સાથે PM મોદી 1લી નવેમ્બરે સંવાદ કરશે