ખેતીમાં ક્રાંતિ… ઇલેક્ટ્રોનિક માટી જે 15 દિવસમાં પાકની ઉપજ કરશે બમણી
સ્વીડન, 28 ડિસેમ્બર : વિજ્ઞાનીઓએ ઈલેક્ટ્રોનિક માટી એટલે કે ઈ-સોઈલનો પ્રયોગ કર્યો છે. તેમનો દાવો છે કે eSoilની મદદથી માત્ર 15 દિવસમાં પાકની ઉપજ બમણી કરી શકાશે. જાણો eSoil શું છે? અને તેમાં એવું શું છે જેનાથી પાકને 15 દિવસમાં બમણો કરી શકાય.
વિજ્ઞાનીઓએ હવે ઇલેક્ટ્રોનિક માટી વિકસાવી છે. તેમનો દાવો છે કે આ માટી ખેતીના ક્ષેત્રમાં મોટું પરિવર્તન લાવી શકે છે. તેને વિકસાવનાર સ્વીડનની લિનકોપિંગ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે eSoilની મદદથી માત્ર 15 દિવસમાં પાકની ઉપજ બમણી કરી શકાશે. PNAS જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધન અહેવાલ મુજબ હવે શહેરોમાં પણ ઈ-સોઈલ દ્વારા ખેતી કરી શકાશે. ખરાબ હવામાનમાં પણ ખેતી શક્ય બનશે. લિંકોપિંગ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર એલેનીએ જવના છોડ પર આ માટીનો ઉપયોગ કર્યો હતો, જેમાં આશ્ચર્યજનક પરિણામો મળ્યા હતા.
ઇલેક્ટ્રોનિક માટી શું છે?
વિજ્ઞાનીઓનો દાવો છે કે તેઓએ એવી માટી વિકસાવી છે જે સામાન્ય માટી કરતાં વધુ ફળદ્રુપ છે અને છોડ ઝડપથી વધે છે. આ માટીને એવી રીતે તૈયાર કરી છે કે તેમાંથી વીજળી પસાર કરીને તેનો ખેતી માટે ઉપયોગ કરી શકાય. તેને તેમણે ઈલેક્ટ્રોનિક માટી નામ આપ્યું છે. આ સંશોધન સાથે જોડાયેલા સંશોધકોનું માનવું છે કે વિશ્વની વસ્તી ઝડપથી વધી રહી છે. વિશ્વ આબોહવા પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. ભવિષ્યમાં આ વર્તમાન ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને પાક ઉગાડવો મુશ્કેલ બનશે. એવામાં આ પદ્ધતિઓ ખૂબ અસરકારક સાબિત થશે.
પ્રયોગ કેવી રીતે કરવામાં આવ્યો?
વૈજ્ઞાનિકોએ જવના છોડ પર ઈલેક્ટ્રોનિક માટીનો ઉપયોગ કર્યો, જેમાં વીજળીનો ઉપયોગ રૂટ સિસ્ટમ અને પાણીમાં છોડ ઉગાડવાની પદ્ધતિ પર કરવામાં આવ્યો છે, જેને હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવે છે. હાઇડ્રોપોનિક્સ એ છોડ ઉગાડવાની એવી પદ્ધતિ છે જેમાં ખૂબ ઓછા પાણીની જરૂર પડે છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ પદ્ધતિનો ઉપયોગ કરીને જવ, જડીબુટ્ટીઓ અને કેટલીક શાકભાજી પહેલેથી જ ઉગાડવામાં આવી રહી છે. સંશોધનમાં, સંશોધકોએ સાબિત કર્યું છે કે આ પદ્ધતિથી જવ ઉગાડવાની સાથે-સાથે ઇલેક્ટ્રોનિક સ્ટીમ્યુલેશન દ્વારા તેની વૃદ્ધિમાં પણ હકારાત્મક અસર જોવા મળી છે. એટલે કે તેમની વૃદ્ધિમાં પણ વધારો કરી શકાય છે.
ઇલેક્ટ્રોનિક માટી કેવી રીતે બનાવવામાં આવી હતી?
eSoil ને સેલ્યુલોઝમાંથી બનાવવામાં આવી છે. જે એક બાયોપોલિમર છે. જેમાં ઇલેક્ટ્રોનિક સ્ટીમ્યુલેશન હાથ ધરવામાં આવ્યું. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે તે ખૂબ ઓછી ઊર્જા વાપરે છે અને ઉચ્ચ વોલ્ટેજનું કોઈ જોખમ રહેતું નથી.
આ નવા અભ્યાસે હાઇડ્રોપોનિક ટેક્નોલોજી દ્વારા ખેતીને પ્રોત્સાહન આપવાના નવા રસ્તા ખોલ્યા છે. આ સંશોધનની મદદથી પાક ઉત્પાદનનો વ્યાપ વધારી શકાય છે. તે ખાદ્ય સુરક્ષા માટે મોટો ઉકેલ ન આપી શકે, પરંતુ તે એવાં સ્થળો માટે એક મોટી રાહત તકનીક બનશે, જ્યાં ખેતી માટે યોગ્ય વાતાવરણ નથી અથવા તો ખેતી માટે યોગ્ય કુદરતી માટી નથી.
આ પણ વાંચો : કૂતરા ઘી પચાવી શકતા નથી! કેટલી સચ્ચાઈ છે આ કહેવતમાં, જાણો શું કહે છે વિજ્ઞાન?