અમિત શાહની અધ્યક્ષતામાં પ્રાકૃતિક ખેતી અને ખેતીક્ષેત્રે ટેક્નોલોજીના ઉપયોગ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ


દેશમાં પ્રાકૃતિક ખેતી અને કૃષિ ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગની સમીક્ષા બેઠક કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાઇ હતી. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર તથા રસાયણ-ખાતર અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતીમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સહભાગી થયા હતા. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, ઉત્તરાખંડ, ત્રિપુરા સહિત દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
આ પણ વાંચો : બંધારણ વિરોધી ગણાવીને RSSના મુખ્યમથકને ઘેરવાનો પ્રયાસ, અનેકની અટકાયત; કલમ 144 લાગુ
13 હજાર ગ્રામ પંચાયતોના 4.50 લાખ ખેડૂતોને તાલીમ : સીએમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અને કૃષિ ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગની ભૂમિકા આપતાં જણાવ્યું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ માટે સતત માર્ગદર્શન આપતા રહ્યા છે. રાજ્યની ૧૩ હજાર જેટલી ગ્રામ પંચાયતોના સાડા ચાર લાખ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટેની તાલીમ આપવામાં આવી છે. એટલું જ નહિ, આદિજાતિ જિલ્લો ડાંગ ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતીયુકત જિલ્લો જાહેર થયો છે. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેત પેદાશોના ઉત્પાદનોના વેચાણ માટે દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં કો-ઓપરેટીવ મોડેલ વિકસાવવાની પહેલ કરી છે.
જુદી જુદી ટેકનો.થી રાજ્યના ધરતીપુત્રોને ટેક્નોલોજીના ઉપયોગ તરફ પ્રેરિત કરાયા
કૃષિ ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ થાય તેવા ધ્યેય સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, રાજ્યમાં ખેડૂતોના ડેટા સાથે લેન્ડ સિડીંગની ૯૩ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ છે. આ ઉપરાંત, આઇ ખેડૂત પોર્ટલ, કિસાન સારથી પ્લેટફોર્મ અને ઇ-નામ પોર્ટલ જેવી ટેક્નોલોજીથી રાજ્યના ધરતીપુત્રોને ટેક્નોલોજીના ઉપયોગ તરફ પ્રેરિત કર્યા છે. ખેતરોમાં ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે તેની વિગતો તેમણે આપી હતી. કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ, રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી તેમજ કૃષિ નિયામક સોલંકી વગેરે આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા.