- સરેરાશ રૂ.10 પ્રતિ લિટરનો ગ્રાહકોને ફાયદો થશે
- આવતા અઠવાડિયાથી નવા ભાવની પ્રોડક્ટ બજારમાં થશે ઉપલબ્ધ
- વૈશ્વિક માર્કેટમાં ભાવમાં ઘટાડો થતા કંપનીએ કર્યો ફાયદો
મધર ડેરીએ વૈશ્વિક સંકેતોના આધારે ધારા ખાદ્ય તેલની મહત્તમ છૂટક કિંમત (MRP)માં 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. નવા દરો સાથેનો સ્ટોક આવતા સપ્તાહથી બજારમાં ઉપલબ્ધ થશે. કંપનીએ જણાવ્યું હતું કે MRPમાં ઘટાડો વૈશ્વિક બજારમાં ખાદ્ય તેલના ભાવમાં થયેલા ઘટાડાને અનુરૂપ છે. રાંધણ તેલ સામાન્ય રીતે છૂટક વિક્રેતાઓ દ્વારા તેલ/પેકેટો પર મુદ્રિત MRP કરતાં ઓછી કિંમતે વેચવામાં આવે છે.
સરકારે ખાદ્ય તેલની એમઆરપીમાં ઘટાડો કરવાનું કહ્યું હતું
ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે, કેન્દ્રએ ખાદ્ય તેલ ઉદ્યોગ સંસ્થાઓને તેમના સભ્યોને મુખ્ય ખાદ્યતેલોની MRP 8-12 રૂપિયા પ્રતિ લિટર ઘટાડવા તાત્કાલિક અસરથી સલાહ આપવાનો નિર્દેશ આપ્યો હતો. ખાદ્ય તેલના ભાવમાં સતત ઘટાડો અને સરસવ જેવા સ્થાનિક પાકની સારી ઉપલબ્ધતાને કારણે ધારા ખાદ્ય તેલના તમામ પ્રકારોની મહત્તમ છૂટક કિંમત (MRP) પ્રતિ લિટર રૂ. 10નો ઘટાડો કરવામાં આવી રહ્યો છે.” કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સંશોધિત MRP સાથેનો સ્ટોક એક સપ્તાહની અંદર બજારમાં આવવાની ધારણા છે.
આ રહ્યા નવા ભાવ
ધારા રિફાઈન્ડ સોયાબીન તેલનો નવો દર 140 રૂપિયા પ્રતિ લીટર હશે, જ્યારે ધારા રિફાઈન્ડ રાઇસ બ્રાન ઓઈલની MRP ઘટાડીને 160 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. ધારા રિફાઈન્ડ વેજીટેબલ ઓઈલની નવી MRP હવે 200 રૂપિયા પ્રતિ લીટર હશે. ધારા કાચી ઘની સરસવનું તેલ 160 રૂપિયા પ્રતિ લીટરના MRP પર ઉપલબ્ધ થશે, જ્યારે ધારા સરસવનું તેલ 158 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે.