કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

જૂનાગઢના ઈવનગરમાં પુત્રીના હાથે સગી જનેતાની હત્યા

  • પ્રેમમાં અંધ બનેલી દીકરીએ જ માતાને મારી નાંખી
  • હત્યારી દીકરીની પોલીસે કરી ધરપકડ
  • પ્રેમી મળવા આવતા માતા જાગી જતા રહેંસી નાખી હતી

જૂનાગઢના ઇવનગર ગામમાં શનિવારે સવારે એક મહિલાની તેના જ ઘરમાંથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાને પગલે પોલીસ દ્વારા સમગ્ર બનાવનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તપાસમાં મહિલાની હત્યા તેની મોટી દીકરીએ જ કરી હોવાનું સામે આવ્યું છે. હત્યા કરનાર દીકરીને એક યુવક સાથે પ્રેમ સબંધ હતો, જેને લઈને તેની માતાએ તેને અટકાવી હતી. ઉપરાંત બનાવના દિવસે પ્રેમી યુવતીને મળવા આવ્યો હતો જેથી સુતેલી માતા જાગી ગઈ હતી. જેથી દીકરીએ માતાની હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે.

બહારગામ રહેતા પતિએ નોંધાવી હતી ફરિયાદ

મળતી માહિતી મુજબ, જૂનાગઢ નજીક આવેલા ઇવનગર ગામમાં છેલ્લા સાતેક વર્ષથી રહેતા દક્ષાબેન ગોવિંદભાઈ બામણીયાની ગત તારીખ 17મેના રોજ સવારે તેના જ ઘરમાંથી હત્યા કરાયેલી લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પાલનપુર ખાતે કામ કરતા તેના પતિ ગોવિંદભાઈ બામણીયાએ ઘરે આવીને તેની પત્નીની અજાણ્યા શખ્સોએ હત્યા કરી હોવાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. ફરિયાદના આધારે પીએસઆઈ એસ.એ.ગઢવી સહિતના સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી બાતમીદારો અને ટેકનીકલ સોર્સની મદદથી તપાસ શરૂ કરી હતી. આ હત્યા કેસમાં મૃતક દક્ષાબેનની મોટી દીકરી મિનાક્ષીની ધરપકડ કરવામાં આવી છે.

અગાઉ દીકરીને માતાએ ઠપકો આપ્યો હતો

હત્યાની ઘટના અંગે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે, હત્યામાં પકડાયેલ મિનાક્ષીને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો, જેને મળતી હતી, ત્યારે અગાઉ એક વખત પકડાયેલ હતી, ત્યારે પણ તેને રોકવામાં આવી હતી, પરંતુ બીજી વખત મિનાક્ષી તે યુવકને ફરી મળી ત્યારે તેની માતા દક્ષાબેને ખુબ ઠપકો આપ્યો હતો, જેના કારણે બનાવની રાતે ફરી યુવક તેણીને મળવા માટે આવનાર હતો. જેથી મિનાક્ષીએ રાતે તેની માતાના માથામાં લોખંડનું પાનું વડે 17 જેટલા ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી.

હત્યા પહેલા સીસીટીવી કેમેરા બંધ કરી દીધા હતા

જે અંગે પોલીસને શરૂઆતથી જ શંકા હતી, કારણ કે, બનાવ સમયે ઘરમાં મિનાક્ષી અને દક્ષાબેનનો એક દીકરો અને એક દીકરી જ હાજર હતા, જેથી હત્યારો ઘરમાં જ હોવાની શંકાએ તપાસ કરી, પૂછતાછ કરતા અંતે મિનાક્ષી ભાંગી પડી હતી અને હત્યા કરી હોવાની કબૂલાત આપતા ધરપકડ કરવામાં આવી છે. જે રાતે હત્યા થયેલી તે રાતે મિનાક્ષીને તેનો પ્રેમી મળવા આવવાનો હતો. જેથી ફરી તેની માતા તેને જોઈ ન જાય તે માટે મિનાક્ષીએ રાતે 11:30 વાગ્યા પછી ઘરમાં ફીટ કરેલા સીસીટીવી બંધ કરી દીધા હતા. પરંતુ હત્યા સમયે પ્રેમી યુવક હાજર હતો કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

Back to top button