માગશર પૂર્ણિમાએ બનશે દુર્લભ યોગઃ ભગવાન વિષ્ણુ આપશે સમૃદ્ધિ
- માગશર પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન અને તપનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ ખુબ મહત્ત્વ છે. આ વખતે માગશર પૂર્ણિમા 26 ડિસેમ્બર, મંગળવારે છે
માગશર મહિનામાં આવતી પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે, તેને માર્ગશીર્ષ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. માગશર પૂર્ણિમાએ સ્નાન, દાન અને તપનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ ખૂબ મહત્ત્વ છે. આ વખતે માગશર પૂર્ણિમા 26 ડિસેમ્બર, મંગળવારે છે. માગશર પૂર્ણિમાના દિવસે બનતા અનેક દુર્લભ સંયોગોને કારણે આ દિવસનું મહત્ત્વ વધી ગયું છે.
માગશર પૂર્ણિમાએ બની રહ્યા છે દુર્લભ સંયોગ
આ વખતે માગશર પૂર્ણિમાના દિવસે અનેક અદભુત સંયોગો બની રહ્યા છે. માગશર પૂર્ણિમાના દિવસે શુક્લ યોગ રચાઈ રહ્યો છે. જ્યોતિષમાં શુક્લ યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત આ દિવસે બ્રહ્મ યોગ અને ભદ્રાવાસ યોગ પણ રચાઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે આ શુભ યોગોમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિને શાશ્વત ફળ મળે છે. પૂર્ણિમા તિથિ 26મી ડિસેમ્બરે સવારે 05:46 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 27મી ડિસેમ્બરે સવારે 06:02 વાગ્યે સમાપ્ત થશે.
માગશર પૂર્ણિમાના દિવસે શું કરવું લાભદાયી?
માગશર પૂર્ણિમાના દિવસે વ્રત રાખવાથી અને પૂજા કરવાથી દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ભગવાન નારાયણની પૂજા કરવામાં આવે છે. તેથી સવારે ઉઠીને ભગવાનનું ધ્યાન કર્યા પછી વ્રતનો સંકલ્પ કરવો જોઈએ. પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદી કે તળાવમાં તુલસી ક્યારાની માટીથી સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલું દાન અન્ય પૂર્ણિમાના દિવસો કરતાં 32 ગણું વધુ ફળ આપે છે. આ જ કારણ છે કે આ પૂર્ણિમાને બત્તીસી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા કરવી ખૂબ જ ફળદાયી છે. આ દિવસે ગરીબો અને બ્રાહ્મણોને ભોજન અને દાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ દિવસે લક્ષ્મી નારાયણની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.
આ પણ વાંચોઃ સલમાન અને અભિષેક બચ્ચન આવ્યા આમને-સામને, એકબીજાને લગાવ્યા ગળે