- પાઉડરમાં અખાદ્ય કલર અને ઓલીયો રેઝીનની ભેળસેળ જોવા મળી
- ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી
ગાંધીનગર, 17 મે : ગાંધીનગરની ફૂડ ટીમ તથા છોટા ઉદેપુર જિલ્લાની ફૂડ ટીમ દ્વારા હલકી કક્ષાનાં મરચાં પાવડરમાં અખાધ્ય કલર તથા ઓલીયો રેઝીનની થતી ભેળસેળનું કૌભાંડ પકડી પાડેલ છે. આ કૌભાંડ આચરનાર વેપારી ખત્રી મયુદ્દીનભાઇ નુરમોહંમદભાઇ ફૂડ સેફ્ટી પરવાનો મેળવ્યા વગર સર્વે નં-૪૩/૨ પૈકી ૧ વાળી જમીનમાંથી ૨૫૦૦ ચોરસ ફૂટમાં તૈયાર કરેલ શેડ (કારખાનું), મુ. જોજવા, તા: બોડેલી, જી. છોટા ઉદેપુરની પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ ઉપર મરચાં પાવડરનું ઉત્પાદન થતુ જોવા મળી આવેલ હતુ.
આ પેઢીમાં સઘન તપાસ હાથ ધરતા મરચા પાવડરમાં અખાદ્ય કલર તથા ઓલીયો રેઝીનની થતી ભેળસેળ થતી હોવાનું પ્રથમિક દ્રષ્ટીએ માલુમ પડેલ હતું. તપાસ દરમિયાન સ્થળ પર આખાદ્ય લાલ કલરનો ૨૫ કિલોગ્રામ જથ્થો તથા Capsicum Oleoresin નો ૦૯ કિલોગ્રામ જથ્થો સ્થળ પર જ હાજર સ્ટોકમાં પકડી પાડેલ છે. વેપારી દ્વારા મરચાં પાવડર એક્સ્ટ્રા હોટ તેજા મરચું અને કાશ્મીરી કુમઠી (મોળુ મરચું ) લેબલથી પેક કરતા હતા જેના પર કાયદા મુજબ બેચ નંબર, પેકીંગ તારીખ, ઉત્પાદકનું સરનામું કે અન્ય કોઇ માહિતી છાપેલ ન હતી તથા લૂઝમાં મરચા પાવડરનો જથ્થો માનવ વપરાશ અર્થે તૈયાર કરી સંગ્રહ કરેલ હતો.
વધુમાં સ્થળ પરથી કાશ્મીરી કુમઠી (મોળુ મરચુ) (પેક)-૦૧, એક્સ્ટ્રા હોટ તેજા મરચું પેક-૦૧, ખાડેલુ મરચું પાવડર-૦૧, મરચા પાવડર-૦૧, Capsicum Oleoresin 10%os-(Adulterant use in chilli Powder)- 01, અને Red colour(adulterant used in chilli powder)-01 મળીને કુલ-૦૬ કાયદેસરના નમૂનાઓ લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપેલ છે જ્યારે બાકીનો આશરે ૪૦૨૭ કિલોગ્રામ જથ્થો જેની અંદાજીત કિંમત રૂ. ૬,૨૦,૦૦૦ /- (અંકે રૂ. છ લાખ વીસ હજાર પુરા) થવા જાય છે તે જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.