ગાંધીધામનાં વેપારી સાથે પંજાબનાં દંપતીએ લાખો રૂપિયાની છેતરપિંડી કરી
- ધંધામાં પ્રોફિટ પેટે ફક્ત 4.10 લાખ રૂપિયા ચૂકવ્યા
- વેપારીને મુંબઈની હોસ્પિટલમાં કોન્ટ્રાકટ પર કામ અપાવવાનું કહ્યું
- ફરિયાદીને તેમના નામનો ત્રણ વર્ષનો એગ્રીમેન્ટ કરાવી આપ્યો
ગાંધીધામ રહેતા વેપારીને પંજાબનાં દંપતીએ ધંધામાં 64.86 લાખ પડાવી ચુનો ચોપડવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. વેપારીને મુંબઈની હોસ્પિટલમાં કોન્ટ્રાકટ પર કામ અપાવવાનું કહી તેમના પાસે અલગ અલગ ટ્રાન્જેકશન મારફતે લાખો રૂપિયા પડાવી લીધા હતા.
ધંધામાં પ્રોફિટ પેટે ફક્ત 4.10 લાખ રૂપિયા ચૂકવ્યા
વેપારીનાં નામનું મુંબઈની એક હોસ્પિટલમાં ફુડ અને બેવરેજીસનો ત્રણ વર્ષનો કોન્ટ્રાકટ અપાવી વેપારી પાસે પાંચ મહિના કામ કરાવી ધંધામાં પ્રોફિટ પેટે ફક્ત 4.10 લાખ રૂપિયા ચૂકવી બાકીનાં રૂપિયા પંજાબનાં દંપતીએ ચાઉં કરી લેતા તેમના વિરુદ્ધ ઠગાઇનો ગુનો પોલીસ ચોપડે નોંધાયો છે.
સોશિયલ મીડિયામાં તેમની કંપનીની એડ જોઈ
ગાંધીધામનાં વોર્ડ નં.12-બી હરીકૃપા કોમ્પલેક્ષમાં રહેતા ગુરબિંદરસીંગ રામસિંગ સંધુએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, આરોપીઓ પંજાબના મોહાલીમાં રહેતા બીટુ શ્યામલાલ ઉર્ફે બોબીસીંગ અને તેમની પત્ની રમનકુમાર બીટુ એમએસ રેડબીન હોસ્પિટાલીટી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ચલાવે છે જેઓ શહેરોમાં મોટી હોસ્પિટલોમાં ફૂડ અને બેવરેજીસનો કામ કોન્ટ્રાકટ પર રાખે છે. સોશિયલ મીડિયામાં તેમની કંપનીની એડ જોઈ ફરિયાદીએ આરોપી બીટુ શ્યામલાલ ઉર્ફે બોબીસીંગ અને તેમની પત્નીનો સંપર્ક કર્યો હતો. જેમાં આરોપી બોબીસિંગ નવેમ્બર 2023માં ફરિયાદીને મળવા પંજાબથી ગાંધીધામ આવ્યો હતો અને ફરિયાદીને મુંબઈની એક મોટી હોસ્પિટલમાં મહિને પાંચ લાખ રૂપિયા કમાવવાની લાલચ આપી હોસ્પિટલમાં ફુડ અને બેવરેજીસનો ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ અપાવવાનું કહી વિશ્વાસમાં લઇ ફરિયાદી પાસે લાખો રૂપિયા પડાવી લીધા હતા.
ફરિયાદીને તેમના નામનો ત્રણ વર્ષનો એગ્રીમેન્ટ કરાવી આપ્યો
આરોપી બોબીસીંગે મુંબઈની એક ગ્લોબલ હોસ્પિટલ અને ફરિયાદીને તેમના નામનો ત્રણ વર્ષનો એગ્રીમેન્ટ કરાવી આપ્યો હતો. જેમાં ફરિયાદીએ આરોપીને કામ ચાલું કરાવવા માટે કુલ રૂ. 68,95,966 આપી દીધા હતા. જેમાં આરોપીએ ફરિયાદીને માત્ર પ્રોફિટ પેટે કુલ 4.10 લાખ રૂપિયા પરત આપી અને બાકીના રૂપિયા ફરિયાદીને પરત ન આપી તેના સાથે છેતરપિંડી આચરી હતી.
આ પણ વાંચો: ગુજરાત: શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્યમાં એક વિચિત્ર ઘટના બની