છોકરીઓની લગ્નની ઉંમર ઘટાડીને માત્ર 9 વર્ષ કરાશેઃ જાણો કયો દેશ કરી રહ્યો છે આવું?
- જો આ ખરડો કાયદો બનશે તો તેનાથી યુવતીઓ અને મહિલાઓના અધિકારોનું હનન થશે અને હિંસાની ઘટનાઓમાં વધશે
આ બિલ પસાર થશે તો બાળ લગ્ન અને શોષણનું જોખમ વધશે
અહેવાલો અનુસાર, ઇરાકના ન્યાય મંત્રાલય દ્વારા આ પ્રસ્તાવની રજૂઆત કરવામાં આવી છે. વિવાદાસ્પદ કાયદાનો હેતુ દેશના કાયદામાં સુધારો કરવાનો છે, જે વર્તમાનમાં લગ્ન માટે ઓછામાં ઓછી 18 વર્ષની વય નિર્ધારિત કરે છે. (જોકે, અમુક અહેવાલ અનુસાર ઈરાકમાં અત્યારે છોકરીઓની લગ્નની ઉંમર 18 નહીં પરંતુ 15 વર્ષ છે) આ બિલ નાગરિકોને પારિવારિક મામલાઓ પર નિર્ણય લેવા માટે ધાર્મિક સત્તાવાળાઓ અથવા નાગરિક ન્યાયપાલિકા વચ્ચે પસંદગી કરવાની મંજૂરી આપશે. જો આ બિલ પસાર થઈ જશે તો 9 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ અને 15 વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓને લગ્ન કરવાની છૂટ મળશે, જેનાથી બાળ લગ્ન અને શોષણનું જોખમ વધી જશે.
કયા કારણે થઈ રહ્યો છે વિરોધ?
ટીકાકારો દલીલ કરે છે કે, આ પગલું મહિલાઓના અધિકારો અને લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવાની દાયકાઓની પ્રગતિને નબળી પાડશે. માનવ અધિકાર સંગઠનો, મહિલા સમૂહો અને નાગરિક સમાજના કાર્યકરોએ આ બિલનો સખત વિરોધ કર્યો છે, જેમાં નાની છોકરીઓના શિક્ષણ, આરોગ્ય અને સુખાકારી માટે ગંભીર પરિણામોની ચેતવણી આપવામાં આવી છે. તેઓ દલીલ કરે છે કે, બાળ લગ્ન શાળા છોડવાના દરમાં વધારો કરે છે, પ્રારંભિક ગર્ભાવસ્થા અને ઘરેલું હિંસાનું જોખમ વધારે છે. UNની ચિલ્ડ્રન એજન્સી યુનિસેફના જણાવ્યા અનુસાર, ઇરાકમાં 28 ટકા છોકરીઓના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે. હ્યુમન રાઇટ્સ વોચ (HRW)ના સંશોધક સારા સાંબરે કહ્યું છે કે, “આ કાયદો પસાર થવાથી એ જાણવા મળશે કે દેશ આગળ નહીં પરંતુ પાછળ જઈ રહ્યો છે.”
આ પણ જૂઓ: વક્ફ કાયદામાં સુધારા માટે લોકસભા અધ્યક્ષે JPCની કરી રચનાઃ ઓવૈસી સહિત 31 સાંસદ સામેલ