ભુજ ખાતે ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ અને ‘રાષ્ટ્રીય રોડ સલામતી સપ્તાહ’ની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો
ભુજ, 20 જાન્યુઆરી : ૧૨ જાન્યુઆરીના દિવસે સ્વામી વિવેકાનંદના જન્મદિવસની યાદમાં સમગ્ર ભારતમાં વિવિધ સંસ્થાઓ દ્વારા “રાષ્ટ્રીય યુવા દિવસ” ઉજવવામાં આવે છે. તેઓ એક ફિલોસોફર, કાર્યકર્તા, સમાજ સુધારક અને વિચારક હતા. રામકૃષ્ણના અનુયાયી હોવાને કારણે તેમણે 1897માં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી.
“રાષ્ટ્રીય યુવા દિવસ – ૨૦૨૪ની થીમ “વૈશ્વિક સંવાદિતતા માટે યુવાનો” રાખવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ યુવાધન આપણા દેશ પાસે છે. દેશના યુવાનોનો સર્વાંગી વિકાસ થાય, યુવાનોમાં વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય અને તેથી સમગ્ર દેશનો વિકાસ થાય તે હેતુથી “રાષ્ટ્રીય યુવા દિવસ”ના ઉપલક્ષમાં નેહરુ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે રિજનલ સાયન્સ સેન્ટર – ભુજ ખાતે તા. ૧૭ જાન્યુઆરીના રોજ ફિઝીકલ ફિટનેસ ડે નિમિત્તે “ફન સ્ટ્રીટ ગેમ્સ (શેરી રમતો)”નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
યુથ ઓફિસર રચના શર્માએ જણાવ્યું હતું કે યુવા પ્રણેતા એવા સ્વામી વિવેકાનંદના વિચારો યુવાનો પોતાના જીવનમાં ઉતારે અને તે મુજબનું જીવન જીવે તો ક્યારેય હતાશાનો સામનો નહીં કરવો પડે. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ આજના યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદ બની રહે તે માટે પહેલ કરી હતી. રાષ્ટ્રીય યુવા દિવસ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં ૮૦ જેટલા વિદ્યાર્થીઓને ટાયર રેસ અને રસ્સા ખેંચ જેવી દેશી રમતો રમાડવામાં આવી હતી તેમજ તે રમતો પાછળ રહેલું વિજ્ઞાન પણ સમજાવવામાં આવ્યું હતું.
તા. ૧૧ જાન્યુઆરીથી ૧૦ ફેબ્રુઆરી સુધી “રાષ્ટ્રીય રોડ સલામતી સપ્તાહ” સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. “રાષ્ટ્રીય રોડ સલામતી સપ્તાહ” અંતર્ગત એક નુક્કડ નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેહરુ યુવા કેન્દ્રના ૧૦ જેટલા યુવાનો દ્વારા રોડ પર સલામતી કઈ રીતે જાળવી શકાય તે અંગે જાગૃતિ ફેલાવતું નાટક રજુ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય અતિથિ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મયુર પટેલે જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદની જેમ આજના યુવાનો મહેનત કરી જીવનમાં આગળ વધે અને શિસ્તતાના પાઠ શીખે. સાથે જ, વિદ્યાર્થીઓને રોડ પર વાહન ચલાવતી વખતે તકેદારી રાખવા માટે માર્ગદર્શન આપ્યું હતું અને વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ભક્તોને રામ મંદિરનું ભ્રમણ કરાવશે ઇલેક્ટ્રિક સોલાર બોટ