આવી કેવી જેલ?: ધ્રાંગધ્રાની સબજેલમાંથી હત્યાના કેદીને સજા પૂરી થાય તે પહેલાં જ છોડી દેવામાં આવ્યો


સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રાની સબજેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. શહેરની સબજેલમાં કેટલીય વખત મોબાઇલ, દારુની બોટલો, તીક્ષ્ણ હથિયાર, સીમકાર્ડ મળી આવવાની ઘટના સામે આવી ચુકી છે. જે અંગે ફરિયાદો પણ નોંધાઈ છે. ત્યારે વધુ એક વખત ધ્રાંગધ્રા જેલ પ્રશાસનની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. જેલ પ્રસાશન જાણે “રામ રાજ્ય અને પ્રજા સુખી” જેવું વલણ અપનાવતું હોય તેમ લાગી રહ્યું છે.
ધ્રાંગધ્રા સબજેલમાં હત્યાના ગુનામાં સજા કાપતા કાચા કામના કેદીને જેલ પ્રશાસને છોડી મૂક્યો હતો. હત્યાના આરોપીના જામીનની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ નહોતી અને એ પહેલાં જ કેદીને છોડી મૂકતા આ અંગે ફરિયાદ નોંધાવા પામી હતી. ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.
જેલ પ્રશાસને દાખવેલી બેદરકારીના પગલે હવે પોલીસને હેરાન થવાનો વારો આવ્યો છે. કારણ કે કાચા કામના કેદીની સંપૂર્ણ જામીન પ્રક્રિયા પૂર્ણ થયા પહેલા જ તેને છોડી મુકતા હવે સ્થાનિક પોલીસને ફરીથી આ કેદીની ધરપકડ કરવા જહેમત ઉઠાવવી પડશે. હાલ સમગ્ર પ્રકરણનું ઠીકરુ સબ જેલમાં જેલર પર ફોડાઈ રહ્યું છે. આ તરફ જામીન પ્રક્રિયા પૂર્ણ કર્યા પહેલા જ કેદીને છોડી મુક્યા હોવાની ફરીયાદની તપાસ શરૂ થઇ છે. અને જે પણ દોષિત જણાશે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ધ્રાંગધ્રા ડિવીઝનના જે.ડી.પુરોહીતે જણાવ્યુ છે.