અમદાવાદગુજરાત

અમદાવાદમાં પોલીસ કર્મીએ બેફામ કાર ચલાવી ચાર લોકોને અડફેટે લીધા, જામીન પર છુટી ગયો

Text To Speech

અમદાવાદ, 22 માર્ચ 2024,  શહેરમાં બેફામ કાર ચાલકો અકસ્માતો સર્જી રહ્યાં છે. શહેરમાં હીટ એન્ટ રનની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં એક પોલીસ કર્મીએ બેફામ પણે કાર ચલાવીને એક જ પરિવારના ચાર સભ્યોને અડફેટે લીધા હતાં.જેમાં બે બાળકો અને પતિ-પત્નીને ઈજા થઈ હતી. આ મામલે એમ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યા છે. પોલીસ કર્મચારીને તાત્કાલિક જામીન મળી જતાં લોકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.

પતિ, પત્ની અને બે બાળકોને અડફેટે લીધા
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના વાસણા વિસ્તારના ખોડિયારનગર પાસે ગઈકાલે મોડી રાત્રે એક પોલીસ કોન્સ્ટેબલ બેફામ ગતિએ કાર હંકારતો હતો.તેણે બાઈક પર જતાં પતિ, પત્ની અને બે બાળકોને અડફેટે લીધા હતાં. આ ચારેય જણાંને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં નાના બાળકને મોઢા અને પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. હાલમાં બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. પોલીસ કર્મીની ગાડીમાંથી કોન્ડમનું પેકેટ, પ્લાસ્ટિકનો ગ્લાસ અને આઇકાર્ડ મળી આવ્યું હતું. અકસ્માત બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

આરોપી કારનું ટાયર ફાટી ગયું એટલે ભાગી શક્યો નહી
એમ ડિવિઝન પોલીસે પરિવારની પોલીસ ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, કાર સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિજયની છે. જેથી પોલીસે વિજયની રાત્રે ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને જામીન પર મુક્ત કર્યો હતો. કારચાલક અકસ્માત સર્જી ભાગવા જતો હતો ત્યા કારનું ટાયર ફાટી ગયું એટલે ભાગી શક્યો નહી, પબ્લિકે કારચાલકને જોરદાર ફટકાર્યો છે, આ ગાડી પોલીસની છે, એમાં પોલીસ લખેલું હતું એ પ્લેટ અને બંને બાજુની નંબર પ્લેટ કાઢીને લઈ ગયા છે. અહીંના લોકોનું કહેવું હતું કે, પોલીસવાળો પીધેલી હાલતમાં હતો, બાજુમાં હોટેલ આવેલી છે અને ત્યાં સીસીટીવી ચેક કરવાનું કીધું તો પોલીસના ડરથી એમણે ના પાડી દીધી.

આ પણ વાંચોઃકેજરીવાલની ધરપકડ મુદ્દે ગુજરાતમાં વિરોધ, ઈસુદાન ગઢવી સહિત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

Back to top button