રાજકોટમાં પીએમ મોદીને ખાસ આર્ટથી મઢેલું વિમાન ભેટ અપાશે, જાણો શું છે ખાસ
- PM મોદીને 3-3 પ્લેનની પ્રતિકૃતિની ભેટ અપાશે
- રાજકોટ ઇમિટેશન એસો. હીરાજડિત કાર્ગો-પેસેન્જર
- જસદણના કારીગરો અટારીની કારીગરીથી સજ્જ પ્લેનની કૃતિ અર્પણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવનાર છે. જે દરમિયાન તેઓ આજે એટલે કે 27 જુલાઈના રોજ રાજકોટની મુલાકાત લેનાર છે. રાજકોટમાં વડાપ્રધાન ગુજરાતના ત્રીજા ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. જેથી રાજકોટમાં યોજાનાર આ કાર્યક્રમમાં રાજકોટવાસીઓ તરફથી પીએમ મોદીને ખાસ આર્ટથી તૈયાર કરવામાં આવેલા વિમાનની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવશે.જેમાં રાજકોટનું હુનર ગણી શકાય તેવું ઇમિટેશન આર્ટ દેખાશે.
ત્રણેય પ્લેન બનાવવા માટે અનેક કારીગરોએ ભારે મહેનત કરી
રાજકોટમાં આવી રહેલા પ્રધાનમંત્રીને ત્રણ-ત્રણ પ્લેનની ભેટ આપવામાં આવશે, જેમાં રાજકોટ ઇમિટેશન એસોસિયેશન દ્વારા હીરાજડિત કાર્ગો તેમજ પેસેન્જર પ્લેન અને જસદણના કારીગરો દ્વારા અટારી કારીગરીથી શણગારેલું અદભુત પ્લેન અર્પણ કરવામાં આવશે. આ ત્રણેય પ્લેન બનાવવા માટે અનેક કારીગરોએ એકાદ અઠવાડિયા કરતાં પણ વધુ સમય મહેનત કરી હતી.
આ પણ વાંચો : નબીરાઓ દારૂ પીને બેફામ અકસ્માતો કરી રહ્યા છે તે દારૂ ક્યાંથી આવી રહ્યો છે? : ઈસુદાન ગઢવી
પ્લેનમાં જસદણની પ્રખ્યાત અટારી કારીગરીનો ઉપયોગ કરાયો
જસદણ પંથકના કારીગરોએ બનાવેલું પ્લેન વજનમાં એકદમ હળવું અને સાઈઝમાં ખૂબ જ મોટું છે. આ પ્લેનની વિશેષતા એ છે કે, એને બનાવવા માટે જસદણની પ્રખ્યાત અટારી કારીગરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્લેનને ઉપરથી પણ ખૂબ જ સુંદર રીતે મઢવામાં આવ્યું છે. આ પ્લેનના માધ્યમથી ઓટોમોબાઇલ ઉદ્યોગને દર્શાવવા એનાં પૈડાં બેરિંગનાં બનાવવામાં આવ્યાં છે. આ પ્લેનનું વજન અંદાજે 4 કિલો આસપાસ છે. આ પ્લેનને તૈયાર કરવા પાછળ 8 લોકોએ 500 કલાક મહેનત કરી છે અને એ તૈયાર થયા બાદ તેને ચમકાવવા પોલિશિંગ માટે 8 લોકોએ 4 કલાક જેટલી મહેનત કરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
બે પ્લેનમાં જુદા- જુદા પ્રકારા ડાયમંડનું જડતર
ઈમિટેશનના કારીગરો દ્વારા એક કાર્ગો અને એક પેસેન્જર એમ કુલ બે પ્લેન તૈયાર કરવામાં આવ્યાં છે. આ બંને પ્લેન પર જુદા-જુદા પ્રકારના ડાયમંડનું જડતર કરવામાં આવ્યું છે અને એને સરસ રીતે મઢી દેવામાં આવ્યાં છે. આ બંને પ્લેનનું તમામ કામ હેન્ડ વર્ક દ્વારા કરવામાં આવ્યું છે તેમજ ડાયમંડ અને ચિપ્સ લગાવવામાં આવી છે. આ બંને પ્લેન ખૂબ જ અદ્યતન રીતે તૈયાર કરવામાં આવ્યાં છે. આ બંને પ્લેનને તૈયાર કરવા માટે 10-12 કારીગરોએ રાત-દિવસ મહેનત કરી હતી. વડાપ્રધાન એરપોર્ટની ભેટ આપવા આવતા હોવાથી ભેટમાં તેમને પ્લેન આપવાનો વિચાર આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો : ખેડૂતોની આતૂરતાનો આવ્યો અંત, PM કિસાનનો 14મો હપ્તો ખાતામાં થયો ટ્રાન્સફર