જાણો ટ્રેક્ટર વેચીને ન્યૂયોર્ક પહોંચેલા પાકિસ્તાની ક્રિકેટ ફેનની કરમકહાણી
13 જૂન, ન્યૂયોર્ક: ભારત અને પાકિસ્તાન વર્ષોથી એકબીજા સામે દ્વિપક્ષીય સિરીઝ રમતા નથી ભલે પછી તે ટેસ્ટ ક્રિકેટ હોય, વનડે ક્રિકેટ હોય કે પછી T20I હોય. આ કારણસર જ્યારે પણ ભારત અને પાકિસ્તાન ICC ઈવેન્ટ્સમાં આમનેસામને થાય ત્યારે બંને દેશોના ફેન્સનો ઉત્સાહ ચરમસીમાએ હોય છે. આવું જ એક ઉદાહરણ હાલમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ચાલી રહેલા ICC T20 World Cup 2024માં જોવા મળ્યું હતું. અહીં ન્યૂયોર્કમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ જોવા માટે એક પાકિસ્તાની ફેન પોતાનું ટ્રેક્ટર વેચીને આવ્યો હતો.
જ્યારે રવિવારે પાકિસ્તાન ભારત સામે 120નો ટાર્ગેટ પણ એચીવ ન કરી શક્યું અને 6 રને હારી ગયું ત્યારે આ પાકિસ્તાની ફેન તમામની નજરે ચડી ગયો હતો. આ ફેને વિવિધ પાકિસ્તાની યુટ્યુબર્સને ઇન્ટરવ્યુ આપ્યા હતા અને જણાવ્યું હતું કે તે પોતાનું ટ્રેક્ટર લગભગ 2000 અમેરિકન ડોલર્સમાં વેચીને અહીં આવ્યો હતો પરંતુ તેને નિરાશા જ મળી છે.
ટ્રેક્ટર વેંચીને ન્યૂયોર્ક આવેલા આ પાકિસ્તાની ફેનનો ગુસ્સો પોતાના ફેવરીટ બેટ્સમેન બાબર આઝમ અને પૂરી પાકિસ્તાની ક્રિકેટ ફેન પ્રત્યે હતો કે તેમણે ભારતના સાવ ઓછા સ્કોરને પાર પાડવામાં જરા પણ ગંભીરતા ન દેખાડી. ત્યારબાદ તેણે આશા વ્યક્ત કરી હતી કે એટલીસ્ટ કેનેડા સામે પાકિસ્તાન જીતી જાય તો તેનો ફેરો અને તેણે લગાવેલો દાવ લેખે લાગશે.
પરંતુ કેનેડા સામે પણ પાકિસ્તાન જરૂરી નેટ રનરેટ મેળવી શક્યું ન હતું, બલકે એમ કહી શકાય કે તેના બેટ્સમેનોએ 14 ઓવર્સમાં મેચ જીતવાનો પ્રયાસ જ નહોતો કર્યો. આથી આ ટ્રેક્ટરવાળા પાકિસ્તાની ફેનને વધુ ગુસ્સો ચડ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાનની તમામ આશાઓ ભારત પર ટકી ગઈ હતી કે તે જો યુએસએને હરાવે તો તેના કોઈ ચાન્સ રહે કે તે Super 8sમાં પહોંચી શકે.
ગઈકાલે પેલા પાકિસ્તાની ફેનના કહેવા અનુસાર તેણે યુએસએ સામેની મેચમાં ભારતને સંપૂર્ણ સપોર્ટ કર્યો હતો અને તેણે સૂર્ય કુમાર યાદવનો આભાર માન્યો હતો કે તેણે છેક સુધી ટકી જઈને ટીમ ઈન્ડિયાને વિજય અપાવ્યો હતો. હવે આ પાકિસ્તાની સપોર્ટરની આખરી આશા યુએસએ અને આયરલેન્ડ સામેની મેચ પર છે અને તે ઈચ્છે છે કે આયરલેન્ડ પણ યુએસએને હરાવે આથી જ્યારે પાકિસ્તાન આયરલેન્ડને હરાવે તો તેની ટીમ આગલા રાઉન્ડમાં ક્વોલીફાય કરી જાય અને તેનો ફેરો સફળ થઇ જાય.