અમેરિકી નેતાઓની હત્યાના પ્રયાસ કેસમાં એક પાકિસ્તાનીની ધરપકડ
- પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અનેક નેતાઓ અને અધિકારીઓની હત્યાનું મોટું કાવતરું નિષ્ફળ ગયું
વોશિંગ્ટન DC, 7 ઓગસ્ટ: અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અનેક નેતાઓની હત્યાનું મોટું કાવતરું નિષ્ફળ ગયું છે. ન્યૂયોર્ક શહેરમાં એક પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે, જે રાજકારણીઓને મારવા અમેરિકા આવ્યો હતો. આ વ્યક્તિના ઈરાનની સરકાર સાથે પણ સંબંધો છે, જે અમેરિકાને પોતાનો દુશ્મન માને છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર, ન્યાય વિભાગે ધરપકડ કરાયેલા વ્યક્તિ પર રાજકીય હત્યાનું કાવતરું ઘડવાનો અને ઈરાની સરકાર સાથે સંબંધ હોવાનો આરોપ મૂક્યો છે. ધરપકડ કરાયેલા કથિત હત્યારાનું નામ આસિફ રઝા મર્ચન્ટ છે. જે અમેરિકન ધરતી પર તેના નેતાઓ અને અધિકારીઓને મારવા માટે આવ્યો હતો.
“Working on behalf of others overseas, Merchant planned the murder of U.S. government officials on American soil,” said U.S. Attorney Breon Peace for the Eastern District of New York. https://t.co/s40EoFZmHk
— US Attorney EDNY (@EDNYnews) August 6, 2024
CNNના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની વ્યક્તિની ધરપકડ બાદ તુરંત પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય અધિકારીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જોકે, ગુનાહિત ફરિયાદમાં ટ્રમ્પનું સ્પષ્ટ નામ નથી. પરંતુ ઘણા સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, ટ્રમ્પ પણ પાકિસ્તાની વ્યક્તિના નિશાના પર હતા. ભૂતપૂર્વ પ્રમુખ પર તાજેતરમાં જ હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે એક રેલી દરમિયાન તેમના પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. સદનસીબે ગોળી તેમને વાગવાને બદલે તેમના કાનમાંથી પસાર થઈ ગઈ હતી.
આસિફ રઝા રાજકારણીઓને મારવા અમેરિકા આવ્યો હતો
કોર્ટના દસ્તાવેજો અનુસાર, બ્રુકલિનમાં દાખલ કરવામાં આવેલી ફેડરલ ફરિયાદમાં જણાવાયું છે કે, ધરપકડ કરાયેલ વ્યક્તિનું નામ આસિફ મર્ચન્ટ છે. 46 વર્ષના આસિફને આસિફ રઝા મર્ચન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફરિયાદમાં, આસિફ પર અમેરિકન ધરતી પર રાજકારણી અથવા અમેરિકન અધિકારીઓની હત્યાના નિષ્ફળ કાવતરાના સંબંધમાં પૈસા માટે હત્યા કરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
FBI દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, આસિફ અમેરિકામાં કોઈ મોટું કાવતરું ઘડે તે પહેલા જ તેને પકડી લેવામાં આવ્યો હતો. પાકિસ્તાની વ્યક્તિને હાલમાં ન્યૂયોર્કમાં ફેડરલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.
આસિફ જેમને હત્યા માટે પૈસા આપી રહ્યો હતો તેઓ નીકળ્યા FBI એજન્ટ
આસિફ રઝાએ હત્યા કરવા માટે જેમની નિમણૂક કરી હતી તેઓ FBI એજન્ટ હતા. FBI ન્યૂયોર્ક ફીલ્ડ ઓફિસના કાર્યકારી સહાયક નિર્દેશક ક્રિસ્ટી કર્ટિસે કહ્યું કે, “સદનસીબે, જે હત્યારાઓને આસિફ મર્ચન્ટે કથિત રીતે ભાડે રાખવાનો પ્રયાસ કર્યો હતો તે અંડરકવર FBI એજન્ટો હતા. આ મામલો ન્યુયોર્ક, હ્યુસ્ટન અને ડલાસમાં અમારા એજન્ટો, એનાલિસ્ટ અને પ્રોસિક્યુટર્સના સમર્પણ અને પ્રયત્નોને રેખાંકિત કરે છે.”
ન્યૂયોર્કના પૂર્વીય જિલ્લાના US એટર્ની બ્રાયન પીસે જણાવ્યું હતું કે, “વિદેશમાં બીજા લોકો વતી કામ કરતી વખતે, મર્ચન્ટે અમેરિકન ધરતી પર US સરકારના અધિકારીઓની હત્યાની યોજના બનાવી હતી. આ મામલો દર્શાવે છે કે આ ઓફિસ અને US ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અમારા દેશની સુરક્ષા, અમારા સરકારી અધિકારીઓ અને અમારા નાગરિકોને વિદેશી જોખમોથી બચાવવા માટે તાત્કાલિક અને નિર્ણાયક પગલાં લેશે.”
આ પણ જૂઓ: ઢાકાનું ઈન્દિરા ગાંધી કલ્ચરલ સેન્ટર પણ બળીને ખાખ થયું, જુઓ વીડિયો