રામ ચરણનો નવો રેકોર્ડ, મેલબોર્નમાં આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય અભિનેતા
HD ન્યૂઝ ડેસ્ક, 19 જુલાઈ : ઓસ્કાર વિજેતા ફિલ્મ ‘RRR’ના અભિનેતા સાઉથ સુપરસ્ટારના નામમાં વધુ એક સિદ્ધિ જોડાઈ છે. રામ ચરણને મેલબોર્નના ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં એમ્બેસેડર ઓફ ઈન્ડિયન આર્ટસ એન્ડ કલ્ચર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય છે. IFFM એ વિક્ટોરિયન રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આયોજિત સત્તાવાર ફિલ્મ ફેસ્ટિવલ છે. આ વર્ષે તે 15-24 ઓગસ્ટ સુધી ચાલશે.
ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ મેલબોર્ન (IFFM) એ આ વખતે રામ ચરણને એમ્બેસેડર ગેસ્ટ તરીકે જાહેર કર્યા છે. અભિનેતાને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે એમ્બેસેડર ઓફ ઈન્ડિયન આર્ટસ એન્ડ કલ્ચર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવશે. આ સાથે રામ ચરણ આ સન્માન મેળવનાર ભારતીય સિનેમાના પ્રથમ અભિનેતા બની ગયા છે. રામ ચરણની અગાઉની ફિલ્મ ‘RRR’ હતી, જેણે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર રૂ. 1,000 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો.
‘RRR’એ માત્ર બોક્સ ઓફિસ પર જ જાદુઈ કમાણી કરી નથી, પરંતુ ઓસ્કાર પણ જીત્યો છે. આ ફિલ્મના હિટ ગીત ‘નાટુ-નાટુ’ને ઓસ્કાર સમારોહમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર મળ્યો હતો. હવે મેલબોર્નના ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં તેમના નામે વધુ એક સિદ્ધિ નોંધાવા જઈ રહી છે.
રામ ચરણ આ ફેસ્ટિવલમાં ભાગ લઈને ખૂબ જ ખુશ છે. તેમણે ઉત્સાહપૂર્વક કહ્યું, “મને મેલબોર્નના ભારતીય ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બનવાનું સન્માન છે, જે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતીય સિનેમાની વિવિધતા અને સમૃદ્ધિની ઉજવણી કરે છે. આપણા ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરવું અને વિશ્વભરના પ્રશંસકો અને સિનેફિલ્સ સાથે જોડાવું એ એક વિશેષાધિકાર છે.
રામ ચરણે આગળ કહ્યું, ‘મેલબોર્નમાં દર્શકો સાથે આ ક્ષણ શેર કરતાં હું રોમાંચિત છું’. રામ ચરણના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ ‘ગેમ ચેન્જર’ છે. શંકર દ્વારા નિર્દેશિત આ પોલિટિકલ થ્રિલરમાં કિયારા અડવાણી પણ મુખ્ય ભૂમિકામાં છે. મેકર્સે હજુ સુધી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી નથી.
આ પણ વાંચો: માઇક્રોસોફ્ટ ક્રેશ થતાં બ્રિટન સૌથી વધુ પ્રભાવિતઃ બેંકો, વિમાન સેવા, ટીવી બધું ઠપ