બનાસકાંઠા : જિલ્લામાં સિલ્ક દ્વારા સમૃદ્ધિની નવી પહેલનો પ્રારંભ, એરી સેરી કલ્ચરથી ભવિષ્યમાં પાલનપુર શહેર રેશમનું કેન્દ્ર બનશે
- મિલ્ક બાદ સિલ્કમાં પણ બનાસકાંઠા અગ્રેસર બને એ માટે ખેડૂતોને અનુરોધ કરતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ
બનાસકાંઠા 10 ઓગસ્ટ 2024 : કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજ સિંહના વરદ હસ્તે બનાસકાંઠા જિલ્લામાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન યોજનાનો આજરોજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી શુભારંભ કરાયો હતો. કેન્દ્રીય સિલ્ક બોર્ડ દ્વારા ગુજરાતના ચાર જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ , મેહસાણા, અને સાબરકાંઠામાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન માટે પ્રાયોગિક ધોરણે પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ સમારોહ સરદાર કૃષિનગર યુનિવર્સિટી, દાંતીવાડા ખાતે યોજાયો હતો. જેમાં કેન્દ્રીય સિલ્ક બોર્ડ, કૃષિ યુનિવર્સિટી,દાંતીવાડા અને કલ્યાણ ફાઉન્ડેશન, પાલનપુર દ્વારા MOU કરવામાં આવ્યા હતા. મંત્રી ગિરિરાજ સિંહના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજસિંહે દેશના વિજ્ઞાનિકો અને ખેડૂતોને નમન કરતાં આ બંનેને દેશની પ્રગતિશીલતા ના આધાર સ્તંભ ગણાવ્યા હતા. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી દિવસ રાત મહેનત કરે છે. દેશનું કૃષિ બજેટ જે ૨૧ હજાર કરોડ હતું તે વધીને ૧,૫૦,૦૦૦ કરોડ થયું છે. દેશની નિકાસ ઉત્પાદકતા ૧૯ લાખ કરોડ થી વધીને ૭૬ લાખ કરોડ થઈ છે. દેશમાં કિસાનોના ખાતામાં દર વર્ષે છ હજાર સહાય મળે છે. સ્વામી વિવેકાનંદ બાદ સમગ્ર દેશમાં નરેન્દ્રભાઇ મોદીએ ભારતનો ડંકો વગાડ્યો છે. તેમનું સ્વપ્ન છે કે, દેશના ખેડૂતની આવક બમણી થાય ,જેના માટે તેઓ સતત પ્રયતનશીલ રહે છે.
વધુમાં કેન્દ્રીયમંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું કે ગુજરાતમાં અને બનાસકાંઠામાં એરંડાની ખેતી વ્યાપક પ્રમાણમાં થાય છે. એરંડાની ખેતી કરતો ખેડૂત એરી રેશમની ખેતી અપનાવશે તો હેકટરદીઠ એક થી દોઢ લાખની વધારાની આવક પ્રાપ્ત કરી શકશે. કલ્યાણ ફાઉન્ડેશન અને કૃષિ યુનિવર્સિટીના સહયોગથી આવનારા સમયમાં પાલનપુર શહેર રેશમની નગરી તરીકે ઓળખાશે. દેશના પૂર્વોત્તર પટ્ટાથી પશ્ચિમ અને ઉત્તર ભારત સુધી રેશમની ઉત્પાદકતા વધતા રેશ્મમય ભારતનું નિર્માણ થશે. ‘આમ કે આમ, ગુટલી કે ભી દામ’ કહેવત દ્વારા મંત્રીશ્રી એ એરંડાની ખેતી કરતા ખેડૂતોને એરી રેશમ ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાજ્યકક્ષાના કાપડમંત્રી પવિત્ર માર્ગરેતાએ ગુજરાતી ભાષામાં ખેડૂતોને સંબોધન કરતાં ગુજરાતની ઉદ્યોગ સાહસિકતા અને હસ્તકલાની પ્રસંશા કરી હતી. તેમણે એરંડાની ખેતી કરતા પાંચ ટકા ખેડૂતો પણ પ્રાયોગિક ધોરણે એરી સેરી કલ્ચર અપનાવી આત્મનિર્ભર બને એવી અપીલ કરી હતી. તેમણે એરી રેશમ જેટલું મજબૂત હોય છે એવી રીતે પરંપરાગત અને નવીનતાના સંગમથી દેશની આર્થિક સધ્ધરતા મજબૂત બનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં શ્રીમતી રચના શાહ, સેક્રેટરી, ટેક્સટાઇલ મંત્રાલય, શ્રીમતી પ્રાજક્તા એલ. વર્મા, સંયુક્ત સચિવ, કાપડ મંત્રાલય, ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈ, સંદીપ કુમાર, સચિવ, કૃષિ અને સહકાર વિભાગ, આર.એમ. ચૌહાણ, વાઇસ ચાન્સેલર, સરદારકૃષિનગર, વરુણ બરનવાલ કલેકટર, અક્ષયરાજ મકવાણા, પોલીસ અધિક્ષક અને ડૉ. કિરીટ એન. શેલાત, ટ્રસ્ટી, કલ્યાણ ફાઉન્ડેશન સહીત મોટી સંખ્યમાં આગેવાનો અને ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :અમદાવાદમાં જમીન પચાવી પાડવા મુદ્દે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ સહિત આઠ લોકો સામે ફરિયાદ