ચૂંટણી 2022

મતદાન મથકોમાં પણ નવતર પ્રયોગ, ઇકો ફ્રેન્ડલીથી લઈ સખી મતદાન મથકોની સંખ્યામાં વધારો, જાણો શું હશે ખાસ

ગુજરાત વિધાનસભા ચુંટણીઓ 2022ને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે, જ્યારે 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. મતદાનના દિવસની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તમામ જરૂરી વ્યવસ્થાઓને સુનિશ્વિત કરવામાં આવી રહી છે. ચુંટણી પંચે વિવિધ વર્ગોના મતદારોને પ્રેરિત કરવા તેમજ યોગ્ય સુવિધાઓ આપવાની પણ તૈયારીઓ કરી લીધી છે. આ માટે અલગ અલગ પ્રકારના વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. મુખ્ય ચુંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યુ કે રાજ્યના તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર જ છે અને બંને તબક્કાના કુલ 51,839 મતદાન મથકોમાં 1833 પોલીંગ સ્ટેશનો કંઇક ખાસ છે.

પોલીંગ સ્ટેશનમાં શું છે ખાસ?
રાજ્યભરમાં મહિલા કર્મચારીઓ સંચાલિત 1256 સખી મતદાન મથકો હશે, દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત 182 મતદાન મથકો હશે, યુવા કર્મચારીઓ દ્વારા 33 પોલીંગ સ્ટેશનોનું સંચાલન થશે. આ ઉપરાંત, ચૂંટણી પંચ દ્વારા પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને રાજ્યના 180 ઈકો ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશન બનાવાશે, તેમજ 182 મૉડેલ પોલીંગ સ્ટેશન ઊભા કરીને નવતર પહેલ કરવામાં આવી છે.

મતદાન મથકોમાં પણ નવતર પ્રયોગ, ઇકો ફ્રેન્ડલીથી લઈ સખી મતદાન મથકોની સંખ્યામાં વધારો, જાણો શું હશે ખાસ hum dekhenge news

સખી મતદાન મથકમાં શું હશે?
ચુંટણીની પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારીને સુનિશ્વિત કરવા માટે અને જેન્ડર ઇક્વોલિટી માટે આયોગની પ્રતિબધ્ધતાને જાળવવા માટે વિધાનસભા મતવિસ્તાર દીઠ મહિલા સંચાલિત સાત મતદાન મથકો હશે. રાજ્યમાં આવા કુલ 1,256 મતદાન મથકોમાં પ્રિસાઈડીંગ ઑફિસર, પોલીંગ ઓફિસર જેવા પોલીંગ સ્ટાફ તરીકે મહિલા અધિકારી ફરજ બજાવશે. સૌથી વધુ 148 સખી મતદાન મથકો અમદાવાદ જિલ્લામાં છે.

ઇકો ફ્રેન્ડલી પોલિંગ સ્ટેશન
ચુંટણી દરમિયાન પર્યાવરણની જાળવણી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતીય ચુંટણીપંચે ઇકો ફ્રેન્ડલી મતદાનમથક ઉભા કરવાનો નિર્ણય લીધો છે. વિધાનસભાની ચૂંટણી દરમ્યાન રાજ્યના 33 જિલ્લાઓમાં 180 ઈકો ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશન બનાવવાની પર્યાવરણલક્ષી પહેલ કરી છે. આ પોલીંગ સ્ટેશનમાં ઉપયોગમાં લેવામાં આવનાર મટિરિયલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મટિરિયલનો ઉપયોગ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. ચુંટણીમાં ઇકો ફ્રેન્ડલી મટિરિટલનો ઉપયોગ કરવામાં આવશે છે અહીં થર્મોકોલ સહિતના સીંગલ યુઝ પ્લાસ્ટિક, પ્લાસ્ટિક સ્ટીક બલૂન, પ્લાસ્ટિક ફ્લેગ્સ, કેન્ડી સ્ટીક્સ, આઈસક્રીમ સ્ટીક્સનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, 100 માઈક્રોનથી ઓછી સાઈઝના પ્લાસ્ટિકની પ્લેટસ, કપ,ફોર્ક, ચમચી, ટ્રે, પોસ્ટર જેવી પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ કરવામાં નહીં આવે.

Back to top button